• મંગળવાર, 31 માર્ચ, 2026

સોશિયલ મીડિયાનું બંધાણ : આવકારદાયક ચુકાદા

નાના-મોટા સૌ કોઈ એકસરખા પ્રમાણમાં સોશિયલ મીડિયાના બંધાણી થઈ ગયા છે. આનું સૌથી મોટું કારણ એ કે સમૂહ માધ્યમોનાં આ પ્લેટફોર્મની બાંધણી-ગૂંથણી જ બંધાણ થઈ જાય એ રીતે કરાય છે. હાલમાં લોસ એન્જલસમાં ચાલેલા એક અદાલતી ખટલામાં જ્યુરીએ મેટા (ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ) અને યુટયુબ (ગૂગલ) જેવી બિગ ટેક કંપનીઓને છ મિલિયન ડોલર જેવી રકમનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાને આ બિગ ટેક કંપનીઓ ઉપરની અદાલતોમાં પડકારશે અને લડત હજી લાંબી ચાલશે, પણ મોટી ટેક્નોલોજી કંપનીઓ સામેની કાયદાકીય લડતમાં આ મહત્ત્વની ક્ષણ છે, કેમ કે પહેલીવાર કોઈ અદાલતે આ કંપનીઓને માનસિક પ્રભાવ પાડવા માટે જવાબદાર ઠેરવી છે. વિશ્વના અનેક દેશોમાં અત્યારે ચોક્કસ વયથી નીચેનાઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણની દિશામાં આગળ વધી રહ્યા છે અને એ માટેનું માળખું બનાવવામાં આવી રહ્યું છે ત્યારે 20 વર્ષના કેલિફોર્નિયાના અરજદારે આ કંપનીઓનાં ઉત્પાદનને કારણે મને ઉચાટ અને હતાશા જેવી સમસ્યાઓ થયાના દાવાને જ્યુરીએ મંજૂર રાખી વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. બાળકોને બંધાણ લાગી જાય અને તેમનાં માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય એવી પ્રોડક્ટ ડિઝાઈનનો આક્ષેપ કરતી અનેક અરજીઓ વિશ્વના વિવિધ દેશોની અદાલતો સામે પડતર છે, આવામાં કેલિફોર્નિયાની જ્યુરીએ મેટા અને યુટયુબને અનુક્રમે 4.2 મિલિયન તથા 1.8 મિલિયન ડોલર વળતર પેટે ચૂકવવાનો આપેલો આદેશ મહત્ત્વનો છે. દેખીતી રીતે જ કંપનીઓએ દાવો કર્યો છે કે, કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય એ અત્યંત જટિલ બાબત છે અને તેને એક એપ સાથે સાંકળી શકાય નહીં. જો કે, બાળકોને સોશિયલ મીડિયા અને મોબાઈલનું વળગણ એ કારણથી છે કે તેમાં એક પછી એક આવતા વીડિયો જોનારાને જકડી રાખે છે. મોટી વયનાઓ અને સિનિયર સિટીઝનોમાં પણ સોશિયલ મીડિયા પર રીલ્સ જોવાનું વળગણ એ હદે વકર્યું છે કે કલાકોના કલાકો તેઓ ફોનનાં ક્રીન સામે જડાઈ જાય છે. બાળકોને સોશિયલ મીડિયાની આડઅસરોથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયા તથા ફ્રાન્સ અને ભારતમાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુની સરકારોએ પ્રતિબંધો અને વયનિયંત્રણ જેવાં શસ્ત્ર ઉગામ્યાં છે. જો કે, એમાંય પડકારો અને અંતરાયો અપરંપાર છે. ભારતના ડિજિટલ પ્રોટેક્શન એક્ટ, 2023 હેઠળ ટેક કંપનીઓ બાળકોના ડેટા એકત્ર કરે છે, તેમણે આવા સગીર વયનાઓનાં માતા-પિતા કે વાલીની સહમતી આના માટે લેવી ફરજિયાત છે. વળી, તેઓ બાળકોની ઈન્ટરનેટ પરની વર્તણૂક પર પગેરું રાખવું, તેમને ટાર્ગેટેડ જાહેરાતો મોકલી નહીં શકે. કાયદો અને ઈરાદો બન્ને સારા છે, પણ કોઈ ખોટી વય જણાવી આ મંચનો ઉપયોગ કરે છે કે નહીં એની ચકાસણી કેવી રીતે કરવી? મોટી ટેક્નોલોજી કંપનીઓને જવાબદાર બનાવવા અને જવાબદારી સ્વીકારતી કરવા માટે માત્ર કાયદો નહીં, લોકજુવાળની જરૂર છે. ભૂતકાળમાં વ્યાપક જનવિરોધને પગલે ઈન્સ્ટાગ્રામ પરથી બ્યુટી કે પ્લાસ્ટિક સર્જરી ફિલ્ટર્સ દૂર કરવામાં સફળતા મળી હતી. વળી, મોટા ભાગનાં ઘરોમાં માતા-પિતા પોતે જ સોશિયલ મીડિયા પર સતત મચ્યા હોય તો બાળકો પર નિયંત્રણ ક્યાંથી રાખી શકે? સરકાર પોતાનાં સ્તરે કામ કરી રહી છે અને અદાલતો પણ આ દિશામાં યોગ્ય ચુકાદા આપી રહી છે, હવે વારો છે લોકોનો જાગવાનો. સોશિયલ મીડિયાને કારણે ઘરને ઘરમાં વધી રહેલા સોશિયલ ડિસ્ટન્સિંગને દૂર કરવાથી શરૂઆત કરવા જેવી છે.

 

Panchang

dd