• શનિવાર, 04 એપ્રિલ, 2026

રાજ્યમાં વસતી ગણતરી પર રોક

અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં વસ્તી ગણતરીની રાહ જોઈ રહેલા નાગરિકો અને વહીવટી તંત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે નહીં. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે આ સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા છે. ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થયા બાદ જ વસ્તી ગણતરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. ગુજરાતમાં વસ્તી ગણતરીની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ રાજ્યમાં તોળાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ આ પ્રક્રિયા પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે.  5 એપ્રિલે શરૂ થનારી વસ્તી ગણતરીની તારીખ પાછી ઠેલાઈ છે. સરકારી તંત્ર અને સ્ટાફ હાલ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેવાનો હોવાથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાને હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકવાર નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય, ત્યારબાદ વસ્તી ગણતરીની પ્રક્રિયા વેગ પકડશે. ચૂંટણી બાદ તુરંત જ નવા સમયપત્રક મુજબ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા માટે જરૂરી તાલીમ અને આયોજનની રૂપરેખા પણ તે મુજબ તૈયાર કરવામાં આવશે. જોકે, સરકારે નવી તારીખ હજી  સુધી જાહેર કરી નથી. ઉપરાંત ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે. આ કારણે હવે વસ્તી ગણતરી બાદમાં કરવામા આવશે, જેની તારીખ સરકાર જાહેર કરશે. પરંતુ જ્યારે પણ વસ્તી ગણતરી શરૂ થશે, ત્યારે તેના પ્રથમ તબક્કા દરમિયાન ખાસ કરીને હાઉસિંગ લિસ્ટિગની ગણતરી કરવામાં આવશે. જેમાં મકાનોની સંખ્યા, પ્રકાર અને માળખાકીય સુવિધાઓની નોંધણી કરવામાં આવશે. આ હાઉસિંગ ગણતરી પૂર્ણ થયા બાદ જ વ્યક્તિગત વસ્તી ગણતરીના બીજા તબક્કા તરફ આગળ વધવામાં આવશે.  

Panchang

dd