• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

ભારત-યુએસ ટ્રેડ ડીલ હાથવેંતમાં

અનેક મહિનાઓના વેપાર સંઘર્ષ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં આવનારા સમયમાં ઘટાડાનાં એંધાણ આપ્યાં છે, જેનો અર્થ એ છે કે, બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ મોરચે સહમતી નિકટ છે. ટ્રમ્પે અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા છે અને નવી દિલ્હી સાથેના સંબંધોની દુહાઈઓ આપી છે, પણ હાલમાં જ ભારત ખાતે અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરના વ્હાઇટ હાઉસમાં યોજાયેલા શપથવિધિ દરમિયાન ટ્રમ્પે ટેરિફ તથા વેપાર કરાર બાબતે કરેલી વાત એટલો સંદેશ જરૂર આપે છે કે પોતાની નીતિઓને કારણે ભારત સાથેના દ્વિપક્ષી સંબંધોમાં આવેલા તણાવ અને થયેલા નુકસાન અંગે તેઓ વાકેફ છે અને તેમાં સુધારણા કરવા પણ તેઓ તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે, અત્યારે તેઓ (ભારત) મને પ્રેમ કરતા નથી, પણ તેઓ અમને ફરી પ્રેમ કરતા થઈ જશે. નવી દિલ્હી-વાશિંગ્ટન સંબંધોમાં આવેલા તણાવનું સૌથી મોટું કારણ ભારતે રશિયન ક્રૂડ ઓઇલની મોટાપાયે શરૂ કરેલી ખરીદી હતી. જો કે, થોડા સમય પહેલાં અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયાની બે મોટી ઓઇલ કંપનીઓ પર આર્થિક પ્રતિબંધો લાદ્યા બાદ ભારતે રશિયન ક્રૂડની ખરીદીમાં ખાસ્સો ઘટાડો કર્યો હતો. આ વાતની નોંધ લેતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતે રશિયન ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કર્યું છે. જો કે તેમણે તરત ઉમેર્યું કે આ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. શક્યતા એવી છે કે, ભારત રશિયન તેલની ખરીદી ચોક્કસ પ્રમાણમાં ઘટાડે અને અમેરિકા પાસેથી ઊર્જા ખરીદીમાં વધારો કરે એ પછી ટ્રેડ ડીલ ફાઇનલ થશે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ બહુ સરસ સંબંધ ધરાવે છે તથા ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનું મહત્ત્વનું આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર છે. ટ્રમ્પ બોલે કંઈક, કરે કંઈક અને તેમના મનમાં હોય કંઈક એવો અનુભવ વિશ્વને ટૂંકા ગાળામાં જ થયો છે. ચીન અને પાકિસ્તાનની સરખામણીમાં ભારત પર વધુ પ્રમાણમાં દંડાત્મક ટેરિફ લાદવા ઉપરાંત આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવનો સામનો કરવા માટે સ્થપાયેલા ક્વાડ સંગઠન સાથે ઓરમાયા વર્તન જેવાં પગલાં લઈ ટ્રમ્પે ભારત-યુએસ ભાગીદારી પર કુઠારાઘાત કર્યો હતો. જો કે, આ આખા સમય દરમિયાન તેમણે મોદી સાથેની મિત્રતા અને ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ સતત કર્યો છે. વળી, પોતાના નિકટવર્તી સર્ગિયો ગોરને ભારત ખાતેના રાજદૂત તરીકે નીમી ટ્રમ્પે ભારત સાથે નિકટતા વધારવાનો સંદેશ આપ્યો છે. જો કે, ગોરને દક્ષિણ તથા મધ્ય એશિયાની બાબતોના પ્રતિનિધિ કે વિશેષ દૂત તરીકેની બેવડી જવાબદારી સોંપાઈ છે, એ બાબત ચિંતા કરાવનારી છે. ટ્રમ્પે એચ-વનબી વિઝા મામલે પણ વલણ નરમ કરતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કંપનીઓ-કારોબાર ચલાવવા માટે વિદેશી યુવાનોની જરૂર પડે છે. આગામી સમયમાં વિઝા નિયમન હળવા કરતાં પગલાંનીય સંભાવના જણાય છે.

Panchang

dd