નવી દિલ્હી, તા. 13 : પુણેના
બહારના વિસ્તારમાં આવેલા નવલે બ્રિજ પાસે ગુરુવારે સાંજે ટ્રકની બ્રેક ફેઈલ થવાના
કારણે 20-25 વાહનો પરસ્પર ટકરાયા હતા. આ દરમિયાન ટ્રક
અને કન્ટેનર વચ્ચે ફસાયેલી એક કારમાં આગ લાગી હતી, જેમાં પાંચ જીવતા ભુંજાવા સાથે કુલ નવ
લોકોનાં મૃત્યુ થયાં હતાં, મૃતકોમાં પાંચ કાર સવાર હતા,
જ્યારે ટ્રક અને કન્ટેનર બન્નેના ડ્રાઈવરનાં પણ મૃત્યુ થયાં હતા,
તો 20થી વધુ ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરવા સાથે મૃતકોના
પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા સહાયની ઘોષણા કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, સતારાથી પૂણે તરફ જઈ
રહેલી ટ્રકના બ્રેક ફેઈલ થઈ ગયા હતા અને કાર ટ્રક-કન્ટેનર વચ્ચે ફસાઈ ગઈ હતી.
અકસ્માત એટલો જોરદાર હતો કે, કાર કન્ટેનરો વચ્ચે દબાઈ હતી
અને આગ લાગવાના થોડા સમયમાં જ અન્ય વાહનો આગની ઝપટમાં આવી ગયા હતા, જેમાં પાંચ જણ જીવતા બળવા સાથે નવ જણનાં મોત થયાં હતાં, જ્યારે 20થી વધુ ઘાયલ થયા હતા. આ બનાવથી
એક કલાક સુધી હાઈવે ઉપર ટ્રાફિક પ્રભાવિત રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને
ફાયર શાખાની ટીમ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાયો હતો. ઘાયલોને
તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.