સંપાદકીય.. : કુન્દન વ્યાસ : દિલ્હીમાં લાલ કિલ્લાની
સામે થયેલા વિસ્ફોટ પાછળ આતંકવાદીઓના હાથ અને પાકિસ્તાની નાપાક ભેજાંનું કરતૂત હોવા
વિષે કોઈ શંકા ન હોવી જોઈએ. આ ભયાનક કાવતરાં પાછળ પાકિસ્તાન હોવાનો આક્ષેપ કરવાની ઉતાવળ
આપણી સરકાર કરે નહીં તે સમજી શકાય છે, પણ આપણે - લોકો જાણે છે. ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ખુલ્લી
ચેતવણી (કે ધમકી) આપી હતી કે, હવે જો ભારત ઉપર આતંકી હુમલો થશે
તો તે પાકિસ્તાની આક્રમણ લેખાશે અને - ભારત તેનો જવાબ આપશે. હવે આ હુમલા પાછળ પાકિસ્તાન
હોવાની હકીકત હોવા છતાં પુરાવા જરૂરી છે. ભારત સરકાર જો પાકિસ્તાનને જવાબદાર ગણાવે
તો પણ લશ્કરી જવાબ આપવાની ઉતાવળ નહીં થાય કારણ કે મુનીરની દલીલ - બચાવ હશે કે,
ભારતીય લોકોએ જ આતંકી હુમલો - વિસ્ફોટ કર્યો છે. પાકિસ્તાનનો કોઈ હાથ
કે પગ નથી ! દિલ્હીમાં આતંકી વિસ્ફોટ અને નિર્દોષ નાગરિકોનાં મોતથી જાણે પાકિસ્તાની
ફિલ્ડ માર્શલ પોતાની `તાજપોશી' ઊજવી રહ્યા છે. પાકિસ્તાની સંવિધાનમાં સુધારો
કરાવીને મુનીર બેતાજ બાદશાહ બન્યા છે. તમામ - સર્વોચ્ચ સત્તાધીશ બનીને પાકિસ્તાની અણુશત્રોના
માલિક - નિયામક બની બેઠા છે ! દિલ્હી ઉપર હુમલો કરીને જાણે ઓપરેશન સિંદૂરનો બદલો લઈ
રહ્યા હોય એવી છાપ પાડે છે ! અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયામાં લોકશાહીની દુહાઈ આપતા
ફરે છે અને પાકિસ્તાનમાં મુનીર સાથે હાથ મિલાવે છે. શાંતિ એવોર્ડનો ગોળ એમની કોણીએ
ચોંટાડયો છે ! લાલ કિલ્લા ખાતેના વિસ્ફોટમાં જે દારૂગોળો વપરાયો છે અને લગભગ ત્રણ હજાર
કિલો વિસ્ફોટક પદાર્થ અને સંખ્યાબંધ શંકાસ્પદ શખ્સો પકડાયા છે તે જોતાં એમ લાગે છે
કે, આ આતંકીઓ દિલ્હીથી શરૂઆત કરીને અન્ય સ્થળોએ સિરિયલ બોમ્બ
બ્લાસ્ટ કરવા માગતા હતા. આશા રાખીએ કે, મોતનો મસાલો પકડાયા પછી
હવે અન્ય સ્થળો બચી ગયાં હશે. મુંબઈ અને દિલ્હીમાં ભૂતકાળના આતંકી સિરિયલ ધડાકાનું
પુનરાવર્તન નહીં થાય એવી ખાતરી નથી - પણ તંત્ર સાવધાન છે. એક વાત આપણે સ્વીકારવી જોઈએ
કે, સરહદ ઉપર ભારતીય સેના સાવધાન છે, પણ
દેશની અંદર આપણી ગુપ્તચર એજન્સીઓ કાચી પડી છે. કેટલાક દિવસો દરમિયાન જમ્મુ-કાશ્મીર,
ફરીદાબાદ અને ગુજરાતમાં આતંકવાદી પગેરું પકડાયું અને તપાસ શરૂ થઈ છતાં
દિલ્હીમાં આતંક અટકાવી શકાયો નહીં ? સ્ફોટક પદાર્થો સાથે એકે
47 અને રાઇફલ - પિસ્તોલ પણ જપ્ત
થઈ છે. મોતનો આ સામાન આવ્યો ક્યાંથી? કેવી રીતે? આ પ્રશ્નોના જવાબ તપાસ અહેવાલમાં મળશે પણ
જવાબ નહીં પરિણામ મળવું જોઈએ. આતંકના મૂળ સુધી - પાકિસ્તાન સુધી પહોંચવું પડશે. નોંધપાત્ર
બાબત એ છે કે, કાશ્મીરી ડોક્ટરો હવે આતંકી ચેહરા-કે હાથા બન્યા
છે. મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લા હવે રાજ્યનો દરજ્જો કયા મોંઢે માગશે? એમણે તો માથું નીચું કરીને દેશની માફી માગવી જોઈએ. મોદી સરકારે સત્તા સંભાળી
તે પહેલાં દિલ્હી અને દેશભરમાં આતંકી હુમલાનો કાળો ઇતિહાસ લખાયો છે. સંસદ ભવન ઉપર પણ
`આક્રમણ થયું હતું ! અને વર્ષ 2000ના ડિસેમ્બરમાં લાલ કિલ્લા
ઉપર ત્રણ આતંકી લશ્કર-એ-તોયબા દ્વારા હુમલો થયો હતો. રાજપૂતાના રાઇફલના થાણા ઉપર આક્રમણ
કરીને ભાગી છૂટયા પણ ત્રણ ઠાર થયા અને ચોથો આરીફ 2005માં ફાંસીના માચડે ચડયો હતો. આ વિસ્ફોટ આપણા જ દેશના કેટલાક
નમકહરામ લોકોએ કર્યો છે ત્યારે સેક્યુલરવાદનાં નામે વોટ માગતા નેતાઓએ હવે `ચોરની મા'ની જેમ મોઢાં છુપાવવાને બદલે માફી માગવી જોઈએ.
આપણી એજન્સીઓએ આતંકીઓને મૂળસોતાં ખતમ કરવા જોઈએ. કાનૂની કાર્યવાહી કાનૂન અને ઇન્સાનિયતના
દુશ્મનો માટે નથી - એન્કાઉન્ટર એકમાત્ર ઉપાય છે. પાકિસ્તાની આતંકનો જવાબ આતંક જ હોય.
દેશભરમાં આતંકવાદ વિરોધી જબરદસ્ત `જેહાદ' શરૂ કરીને
સાપના રાફડામાંથી વીણીવીણીને આતંકવાદીઓને જહન્નમ ભેગા કરવામાં હવે વિલંબ નહીં પરવડે.