• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

માવઠાંને પગલે નુકસાન છતાં મગફળીના ચારાનો વેપાર ગરમ !

મોટી વિરાણી (તા.નખત્રાણા), તા. 13 : પંથકમાં મગફળીનો પાક ઉતર્યા બાદ તેના ચારાની ખરીદી શરૂ થઈ ગઈ છે. રોજના ટ્રેકટર, છકડા કે મિની ટેમ્પોમાં મગફળીના ચારાનો જેને સ્થાનિક ભાષામાં પલ્લી કહે છે તેનું પરિવહન વધી ગયું છે. તાલુકાનાં નેત્રા આસપાસના વિસ્તારોમાં પાણી મીઠાં હોવાથી મગફળીની વ્યાપક ખેતીનો લાભ ખેડૂતો મેળવે છે. આ વર્ષે અંદાજે 1600 હેકટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું, પરંતુ પાક પરિપક્વ થયો, ત્યારે જ કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોને મોઢાં સુધી પહોંચેલો કોળિયો જાણે છીનવાઈ ગયો. ખળામાં પડેલા પાકની સાથે ચારાને પણ નુકસાન થયું હતું. પ્રતિવર્ષ મગફળી તૈયાર થયા બાદ પશુપાલકો ખેડૂતો પાસે મગફળીનો ચારો (કોટી-પન્ની) ખરીદે છે. પશુ ખોરાક તરીકે પોષક એવા પલ્લી પહેલા ભારીના ભાવે, પછી મણ અને હવે કિલોગ્રામના હિસાબે વેચાય છે. આ રીતે ખેડૂતો ચારામાંથી પણ કમાણી કરી  શકે છે. પાછોતરા માવઠાંથી પહેલાં તૈયાર થયેલા પાકનો સોથ વળી ગયો હતો, પલળેલો ચારો સડી ગયો. પાછળથી તૈયાર થયેલો ફાલ જે-તે ખેડૂતોને લાભકારી નીવડયો છે. પલળેલા ચારાનો ભાવ મણના 120 અને ગુણવત્તાયુક્ત સૂકાચારાનો ભાવ 150થી 170 રૂપિયા મળતો હોવાનું ખેડૂત મામદભાઈ સંઘારે જણાવ્યું હતું. ઉનાળામાં સીમાડો સુકાઈ જતાં ઘાસચારાની અછત સર્જાતી હોય છે. ખપત ટાણે દાણ-ખાણના ભાવ વધુ થઈ જતા હોવાથી માલધારીઓ મગફળીના સૂકા ચારાની આગોતરી ભરતી કરી લેતા હોય છે. આરોગ્યવર્ધક અને વધુ દૂધ આપવા સહાયરૂપ આ ચારાનો માવઠાંને લીધે જથ્થો ઘટયો, પરંતુ ભાવો બમણાં થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દૂધાળાં પશુઓના પાલકો ભૂતડી ઉખેડવા મજૂરીએ જતા અને ભૂતડીના અમુક ભાગનો સોદો કરતા અને કહેતા `અસીં આંકે ભૂતડી કઢી ડિનઈ, ઐં ભઘલે મેં ચરો ડીજા.'

Panchang

dd