• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

શેરી શ્વાન સામે સુપ્રીમ આદેશ

દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યા અને તેના ઉકેલના મામલે મતભેદ ચાલી રહ્યો છે. એક તરફ આ રખડતા શ્વાનોના ત્રાસની સામે ન્યાયતંત્રે કડક વલણ લીધું છે, તો સામા પક્ષે જીવદયા અને શ્વાનપ્રેમીઓએ આવાં કોઈ પણ કડક પગલાં સામે વ્યાપક વિરોધ કર્યો છે. આ ગંભીર બાબતે સર્વોચ્ચ અદાલતની ખાસ બેંચે નવેસરથી મત વ્યક્ત કર્યો છે, તે સંસ્થાઓ અને ધોરીમાર્ગો પરથી આવા કૂતરાઓને હટાવવાનો અદાલતનો આદેશ જનસલામતીના વ્યાપક ઉદ્દેશ માટે ભારે મહત્ત્વ ધરાવે છે. રખડતા કૂતરાઓના આતંક અંગેના અખબારી અહેવાલોને ધ્યાને લઈને સર્વોચ્ચ અદાલતે સક્રિયતા બતાવી છે. આ અગાઉ પણ અદાલતે સ્પષ્ટ કરી દીધું હતું કે, લોકોની સલામતીની સાથે કોઈ બાંધછોડ કરાશે નહીં. ગયા શુક્રવારે પણ અદાલતે શિક્ષણ સંસ્થાઓ, રેલવે અને બસ સ્ટેશનો તથા હોસ્પિટલો જેવાં જાહેર સ્થળોએ કૂતરાઓના હુમલાના વધી રહેલા બનાવોને ધ્યાને લીધા છે. આ વખતે અદાલતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી સહિતના તમામ અધિકારીઓને આદેશ કર્યો છે કે, ધોરમાર્ગો પરના રખડતા કૂતરા અને પશુઓને હટાવીને નિયત આશ્રયસ્થળોએ લઈ જવામાં આવે. સાથોસાથ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો તેમની સ્થાનિક નગરપાલિકાઓ વતીથી જાહેરસ્થળોની ઓળખ કરે જ્યાં રખડતા કૂતરાઓનો ત્રાસ હોય.   રખડતા કૂતરાઓના રાહદારીઓ અને નાના બાળકો પર હુમલાના વધી રહેલા બનાવોના મામલે અદાલતે કડક વલણ લીધું છે. આવા શ્વાનોના વ્યવસ્થાપન, સલામતી અને આરોગ્યની જવાબદારી મહત્ત્વની છે, પણ જો સમયસર આવા કૂતરાઓના જન્મ નિયંત્રણ પર સમયસર અને પૂરતું ધ્યાન અપાયું હોત, તો આજે છે એવી ગંભીર સ્થિતિ ઊભી થઈ ન હોત. આમ તો અગાઉના આદેશમાં સર્વોચ્ચ અદાલતે આવા કૂતરાના ખસીકરણ બાદ તેમને તે જ સ્થળે ફરી છોડી મૂકવાની સૂચના આપી હતી, પણ આ વખતે આદેશ વધુ સ્પષ્ટ અને કડક છે.  હવે જાહેરસ્થળો અને માર્ગો પરથી દૂર કરાયેલા કૂતરા અને અન્ય પશુઓને ફરી તે જ સ્થળે છોડી શકાશે નહીં. સુપ્રીમકોર્ટે દેશભરમાં અનેક સ્થળોએ લોકોને શેરીના શ્વાન કરડયા હોવાની નોંધ લઈને આ ચુકાદો આપ્યો છે, પણ પ્રશ્ન એ છે કે, ચુકાદાનો અમલ શક્ય અથવા સરળ છે ખરો? `પેટા' (પશુઓ ઉપર અત્યાચાર નિવારવા અભિયાન ચલાવતી સંસ્થા)ના અંદાજ મુજબ દેશભરમાં સવા પાંચ કરોડ જેટલા શેરી શ્વાન છે અને 80 લાખ જેટલા શ્વાન કામચલાઉ આશ્રયસ્થાનના નામે પિંજરામાં પુરાયેલા છે. શ્વાન ઉપરાંત 50 લાખ જેટલા પશુ-મોટે ભાગે વસૂકી ગયેલી ગાય અને બળદ શેરીઓમાં ભટકી રહ્યા છે. `આવારા શ્વાન'ના નામે કેટલા પશુઓની અટકાયત કરીને જેલમાં પૂરી શકાશે? `એનિમલ બર્થ કન્ટ્રોલ'ના નિયમ અનુસાર શેરીના શ્વાન `આવારા' નથી. નિશ્ચિત સ્થળને `રહેઠાણ' માને છે, તેથી `સમાજ-કોમ્યુનિટી'ના શ્વાન છે. સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થયું છે કે, `આવારા નહીં હમારા' છે. મુખ્ય પ્રશ્ન જાહેર સ્થળોના સંચાલનનો છે. ચોકીદાર હોય તો પણ ક્યાં સુધી શ્વાન-પ્રવેશ રોકી શકે? અને જો સફળ થાય નહીં તો સંચાલકો પર કાયદેસર પગલાં ભરાશે? નગરપાલિકાના સૂત્રધારોને જવાબદાર મનાશે ? મુખ્ય સમસ્યા શેરીના શ્વાનો માટે `આશ્રયસ્થાન'ના પ્રબંધની છે. નાનાં શહેરોએ કે મહાનગર ત્યાં શેરી શ્વાનોનું આશ્રયસ્થાન માટે જગ્યા મળશે ખરી ? ગંજાવર ખર્ચ અને સંચાલન પર કોણ નજર રાખશે ? અદાલતે જાણવું જોઈએ કે દેશભરમાં ઘૂસણખોરોને પકડવાનું આસાન નથી - ત્યાં શાસકો માટે આ વધારાની જવાબદારી  આવી છે. 

Panchang

dd