નવી દિલ્હી, તા. 13 : રાજધાનીમાં
લાલ કિલ્લા પાસે થયેલા લોહિયાળ વિસ્ફોટના ત્રણ દિવસ બાદ તપાસમાં ગુરુવારે વધુ
ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસસૂત્રો તરફથી કરાયેલા ધડાકા મુજબ આતંકવાદીઓ છ
ડિસેમ્બરના બાબરી મસ્જિદ ધ્વંશની વરસીએ બદલો લેવાના ઇરાદે દિલ્હી સહિત દેશમાં અનેક
સ્થળે ધડાકા કરવાનો કારસો ઘડી રહ્યા હતા. દરમ્યાન, માતાના ડીએનએ પરીક્ષણના અહેવાલો પરથી દિલ્હી
ધડાકો ડો. ઉમર ઉન્નબીએ જ કરાવ્યો હોવાના સમાચારને
સમર્થન મળી ગયું છે. મીડિયા અહેવાલો મુજબ સૂત્રધારો પહેલાં પાકિસ્તાન અને
પછી દુબઇ ગયા હતા. ડો. આદિલ અહેમદ રાથર નામના આતંકીનો ભાઇ દુબઇ રહેતો હતો. બાબરી
મસ્જિદ ધ્વંશનો બદલો લેવા માટે આ ધડાકાઓ કરવાનો કારસો ઘડનાર આતંકવાદીઓએ બોમ્બ અને
વિસ્ફોટક સામગ્રી ભરીને ધડાકા કરવા 32 કારનો
બંદોબસ્ત કર્યો હતો. આ કારોમાં બ્રેઝા,
સ્વિફ્ટ ડિઝાયર, ઇકો સ્પોર્ટ અને આઇ-20 જેવી
કાર સામેલ છે. તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં ચાર કાર કબજે કરી લીધી છે. ખતરનાક
ધડાકામાં અત્યાર સુધી કુલ 13 લોકો જીવ ખોઇ ચૂક્યા છે, તો અન્ય 20 ઘાયલ
છે, જેમાંથી
ત્રણની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. દરમ્યાન, દેશભરમાં
ઉચાટ ફેલાવનાર આ બહુચર્ચિત બનેલા ધડાકા કેસમાં એનઆઇએ, એનએસજી,
આઇબી અને દિલ્હી પોલીસ બાદ પાંચમી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ
ડાયરેક્ટોરેટ (ઇડી) પણ જોડાઇ છે. ઇડી એ દિશામાં તપાસ કરી રહી છે કે, તબીબોએ વિસ્ફોટકો ખરીદવા માટે 23 લાખ રૂપિયા એકઠા કર્યા હતા, તેના સ્રોત ક્યા છે.
સાથોસાથ અલ ફલાહ યુનિવર્સિટીના વ્યવહારોની પણ તપાસ કરશે. તપાસ એજન્સીનાં સૂત્રોએ
કહ્યું હતું કે, આરોપી તબીબો ડો. મુજમ્મીલ, ડો. આદિલ, ઉમર અને શાહીને મળીને એકઠા કરેલા 23 લાખ
રૂપિયા ઉમરને સોંપ્યા હતા. આ તમામ આરોપીઓએ મળીને ગુરુગ્રામ, નૂંહ અને આસપાસના
વિસ્તારોમાંથી વિસ્ફોટકો (આઇઇડી) તૈયાર કરવા માટે ત્રણ લાખ રૂપિયામાં 20 ક્વિન્ટલથી
વધુ એનપીકે ખાતરની ખરીદી કરી હતી. દરમ્યાન,
દિલ્હી પોલીસે ફરીદાબાદમાંથી વધુ એક કાર કબજે કરી હતી. અલ ફલાહ
યુનિવર્સિટીમાંથી બ્રેઝા કાર જપ્ત કરાઇ હતી. આ કાર આતંકવાદી ડો. શાહીનનાં નામ પર
નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું.