ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ
આદિપુર જોડિયા શહેરોમાં માર્ગો ઉપર પડેલા કમરતોડ મોટા ખાડાઓ ઉપર મહાનગરપાલિકાના
વહીવટી તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. 120 કરોડથી
વધુ રૂપિયાના ખર્ચે વિકાસનાં કામો કરવાના છે અને તેમાં નવા માર્ગો બનાવવાના છે, હવે તેની સાથે સાથ
માર્ગોની મરંમત પણ શરૂ કરી છે. શહેરના ઝૂલેલાલ મંદિર રોડ તેમજ ગુરુદ્વારાની
આસપાસના માર્ગો ઉપર પડેલા ખાડાઓમાં ડામરના પેચવર્ક શરૂ કર્યા છે. મ્યુનિસિપલ
કમિશનર મનિષ ગુરુવાણીએ સ્થિતિનો તાગ મેળવીને જે જે વિસ્તારોમાં માર્ગો ઉપર મોટા
મોટા ખાડાઓ પડયા છે, ત્યાં પેચવર્ક કરવા માટેનો આદેશ આપ્યો
હતો. જેના પગલે એન્જિનીયારિંગ વિભાગ દ્વારા અલગ અલગ માર્ગોનો સર્વે કરીને ખાડાઓ
ઉપર પેચવર્કનું કામ શરૂ કર્યું છે. ઘણા લાંબા સમયથી લોકો કમરતોડ ખાડાઓથી પરેશાન હતા.
લોકોને શારીરિક તકલીફો થઈ રહી છે. વાહનોમાં નુકસાન પહોંચી રહ્યું છે. લોકોને આ
સમસ્યાઓમાંથી છુટકારો આપવા માટે માર્ગોની મરંમત સુધારણા હાથ ધરવામાં આવી છે.
કમિશનર ખુદ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને અધિકારીઓ અને કર્મચારીઓને
કામગીરી બાબતો જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. બે મહિના દરમિયાન અનેક કામો
થયાં છે. ખાસ કરીને 120 કરોડથી વધુમાં વિકાસનાં કામો
માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને લગભગ એક અઠવાડિયામાં નવા
માર્ગો બનાવવામાં આવશે આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે. તેની સાથે સાથે
હાલમાં માર્ગો ઉપર પેચવર્કની કામગીરી થઈ રહી છે અને રિસર્ફાસિંગની કામગીરી પણ
કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સર્વે દરમિયાન પેચવર્ક અને રિસર્ફાસિંગના
માર્ગોનું લિસ્ટ બનાવવામાં આવ્યા બાદ હાલના સમયે કામગીરી કરવામાં આવી રહી છે. થોડા
સમયમાં ખાડામાંથી રાહત મળે તેવી સંભાવનાઓ છે.