67 .14 ટકા મતદાન સાથે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પણ વિક્રમો
સર્જાયા છે. છેલ્લા અને અંતિમ તબક્કાના મતદાન પછી આવેલા મોટા ભાગના એક્ઝિટ પૉલમાં એનડીએને
બમ્પર બહુમતી મળવાનો વરતારો છે. સામાન્યપણે આટલા જોરદાર મતદાનનો અર્થ મતદારોની વર્તમાન
સરકાર તરફ નારાજગી એવો થાય છે, પણ બધા
જ એક્ઝિટ પૉલમાં મહાગઠબંધન મોરચાને 100થી ઓછી બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે અને એનડીએને સરેરાશ
135થી 150 સીટ્સ પર વિજય મળવાની આગાહી
છે. નીતિશકુમારના સુશાસન અને મહાગઠબંધનના જંગલરાજમાંથી મતદારોએ સુશાસનની પસંદગી કરી
છે, એ સ્પષ્ટ છે. જોકે 14મી તારીખે મતગણતરી બાદ જ જાણી શકાશે કે
રાજકીય બાબતોમાં સક્રિય અને સજાગ બિહારીઓઁ કોની તરફ ઢળ્યા છે. પહેલા તબક્કાની જેમ જ
બીજા તબક્કામાં પણ મહિલા મતદારો મોટા પ્રમાણમાં ઊમટી હોવાનું ચિત્ર છે. આ વખતે કિશનગંજમાં
અધધધ 76.26 ટકા અને કટિહાર, પૂર્ણિયા અને સુપૌલમાં અનુક્રમે 75.23 ટકા, 73.39 ટકા અને 70.69 ટકા મતદાન નોંધાયું છે. બીજા
તબક્કામાં કુલ 122 બેઠકો માટે બમ્પર મતદાનમાં
એનડીએએ સુશાસનનું રિપોર્ટ કાર્ડ રજૂ કરી મતો માગ્યા હતા, તો મહાગઠબંધનનો મદાર ઍન્ટિ-ઇન્કમ્બન્સી અને
સીમાંચલમાં લઘુમતી મતદારો પર હતો. જોકે, મતદાન બાદ શરૂ થયેલા
એક્ઝિટ પૉલના આંકડાથી કૉંગ્રેસ-આરજેડીના મહાગઠબંધનના શઢમાંથી હવા કાઢી નાખી છે. જેવીસી
પૉલ્સ, માત્રિઝ, પીપલ્સ ઇન્સાઇટ,
પીપલ્સ પલ્સ, દૈનિક ભાસ્કર, પીએમએઆરક્યુ અને પૉલ્સ અૉફ પૉલ્સ એમ સાત એક્ઝિટ પૉલમાંથી એકમાં પણ મહાગઠબંધનને
બહુમતી મળવાનો અંદાજ નથી. સરેરાશ 91 બેઠકો પર તેમના ઉમેદવારો જીતશે એવો વરતારો છે. આની સામે એનડીએને
સરેરાશ 145 બેઠકો મળવાની આગાહી છે. મહાગઠબંધનના
ઘટક પક્ષો વચ્ચે ચૂંટણી પહેલાં જ બેઠક વહેંચણીને લીધે સંઘર્ષ હતો અને ફ્રૅન્ડ્લી ફાઇટને
કારણે પરિસ્થિતિ વધુ ઘેરી બની હતી. હવે, પરિણામ બાદ આ અસંતોષ વધુ તીવ્ર બનવાની શક્યતા જોવાય છે, તો કેટલીક જગ્યાએ વિદ્રોહી ઉમેદવારોએ ખેલ બગાડયો હોવાનો અંદાજ છે. પહેલા તબક્કામાં
પાંચ તથા બીજા તબક્કામાં છ બેઠકો પર મહાગઠબંધનના ઘટક પક્ષો કૉંગ્રેસ, આરજેડી અને ભાકપાના ઉમેદવારો સામસામે હતા. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો નવો
રાજકીય પક્ષ જન સુરાજ કેવો દેખાવ કરે છે, એના પર પણ સૌની નજર
હતી. પ્રશાંત કિશોરે તો દાવો કર્યો હતો કે આટલી મોટી સંખ્યામાં મતદાન માટે ઊમટેલા મતદારો
પરિવર્તન ઇચ્છે છે અને તેમને જન સુરાજના રૂપમાં વિકલ્પ મળી ગયો છે. જોકે, તમામ ઍક્ઝિટ પૉલ કંઈક જુદું જ વલણ દાખવી રહ્યા છે. આ નવા પક્ષે તમામ 243 બેઠકો પર એકલા હાથે ચૂંટણી
લડી હતી, પણ તેને શૂન્યથી પાંચ જેટલી બેઠકો અને સરેરાશ
બે સીટ પર વિજય મળવાની શક્યતા વર્તાવવામાં આવી છે. વધેલા મતદાનનું એક કારણ મતદાર યાદીનું
વિશેષ સઘન પુનર્નિરીક્ષણ હતું? એની પણ જાણ ટૂંક સમયમાં થઈ જશે.