• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

રસાકસી પછી ઈન્ડિયા એ ટીમનો વિજય

રાજકોટ તા. 13 : સાઉથ આફ્રિકા એ ટીમ વિરૂધ્ધની રસાકસીભરી પ્રથમ બિન સત્તાવાર વન-ડે મેચમાં ઇન્ડિયા એ ટીમનો ફકત 3 દડા બાકી રહેતા 4 વિકેટે રોમાંચક વિજય થયો હતો. ત્રણ મેચની શ્રેણીમાં યુવા ટીમ ઇન્ડિયા1-0થી આગળ થઇ હતી. દ. આફ્રિકાના પ0 ઓવરમાં 9 વિકેટે 28પ રનના જવાબમાં ઇન્ડિયા એ ટીમે 49.3 ઓવરમાં 6 વિકેટે 290 રન કરી જીત હાંસલ કરી હતી. ઋતુરાજ ગાયકવાડે સંગીન સદી ફટકારી હતી. જયારે અંતમાં નીતિશકુમાર રેડ્ડી અને નિશાંત સંધુએ અનુક્રમે 37 અને 29 રનની ઇનિંગ રમી ભારતને જીત અપાવી હતી. ઋતુરાજ ગાયકવાડે 129 દડામાં 12 ચોગ્ગાથી 117 રનની આકર્ષક ઇનિંગ્સ રમી હતી. અભિષેક શર્મા ફટાફટ 31 રન કરી આઉટ થયો હતો. કપ્તાન તિલક વર્માએ 39 રનનું યોગદાન આપ્યું હતું. રિયાન પરાગ (8) અને ઇશાન કિશન (17) નિષ્ફળ રહ્યા હતા. નીતિશ રેડ્ડી 37 રને આઉટ થયો હતો. નિશાંત સંધુ 29 અને હર્ષિત રાણા 6 રને નોટઆઉટ રહ્યા હતા. રાણાએ વિજયી છગ્ગો ફટકાર્યો હતો. અગાઉ ટોસ જીતી પ્રથમ દાવ લેનાર દ. આફ્રિકાની એ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પ3 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. અર્શદીપ સિંઘ પ્રારંભે જ ત્રાટકયો હતો. તેણે બન્ને આફ્રિકી ઓપનરની વિકેટ લીધી હતી. ઉપરાઉપરી પ વિકેટ ગુમાવ્યા બાદ ડાયન ફોરસ્ટર અને ડેલાનો પોટજીટર વચ્ચે છઠ્ઠી વિકેટની 113 રનની ભાગીદારીથી આફ્રિકા એ ટીમે વાપસી કરી હતી. ડાયન ફોરસ્ટરે 83 દડામાં 4 ચોક્કા-4 છગ્ગાથી 77 અને ડેલાનો પોટરજીટરે 10પ દડામાં 10 ચોગ્ગા-1 છગ્ગાથી 90 રન કર્યાં હતા. આ ઉપરાંત બ્યોર્ન ફોર્ટેને પ9 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. આથી દ. આફ્રિકા એ ટીમના પ0 ઓવરના અંતે 9 વિકેટે 28પ રન થયા હતા. ભારત એ ટીમ તરફથી હર્ષિત રાણા અને અર્શદીપને 2-2 વિકેટ મળી હતી. નિશાંત સંધૂ, નીતિશ રેડ્ડી અને રિયાન પરાગે 1-1 વિકેટ લીધી હતી.

Panchang

dd