• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

લૂંટ સાથે હત્યાના કેસમાં આજીવન કેદ

ગાંધીધામ, તા. 13 : ભચાઉમાં છ વર્ષ અગાઉ એક યુવાન પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી છરી વડે આડેધડ ઘા ઝીંકી તેની હત્યા નીપજાવવાના કેસમાં આરોપીને તક્સીરવાન ઠેરવી તેને આજીવન કેદનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ભચાઉના મણિનગરમાં રહેનાર ફરિયાદી કાના જગા મહાલિયા (કોળી) પોતાના પરિવાર સાથે મજૂરી અર્થે નખત્રાણાના મોટી વમોટી ખાતે ગયા હતા અને બનાવના પંદરેક દિવસ પહેલાં પરત પોતાના ઘરે ભચાઉ આવ્યા હતા. ગત તા. 22/2/2019ના તેમનો મોટો દીકરો મહેશ ઉર્ફે હડો સવારે સિમેન્ટ ઉતારવાની મજૂરી કરી પરત આવ્યો હતો અને સાંજે ઘરથી બહાર નીકળ્યો હતો, તે માનસરોવર ત્રણ રસ્તે અનવર ભટીના ગેરેજની સામે દુકાનો પાસે ઊભો હતો અને ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે બાઇક ઉપર આરોપી શબીર ઉર્ફે સબલો ઉમર ઉર્ફે બબીડો ભટ્ટી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર ત્યાં આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ મહેશ પાસેથી મોબાઇલની લૂંટની કોશિશ કરતાં યુવાને પ્રતિકાર કર્યો હતો, દરમ્યાન યુવાનને દુકાનો પાસે ખાંચામાં લઇ જવાયો હતો. બે શખ્સે તેને પકડી રાખ્યો હતો અને શબીર ઉર્ફે સબલાએ છરી વડે આડેધડ ઘા ઝીંકી તેની પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી ત્રણેય નાસી ગયા હતા. ઘવાયેલા યુવાનને સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નેંધાયા બાદ પોલીસ દોડધામ આદરીને ત્રણેયને પકડી પાડયા હતા. આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યાં બંને પક્ષોની દલીલો, આધાર-પુરાવા વગેરે ચકાસી ન્યાયાધીશ અંદલીપ તિવારીએ શબીર ઉર્ફે સબલાને તક્સીરવાન ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ આરોપી સબલા સામે વાહનચોરી તથા અન્ય ચોરી સહિતના  અન્ય ગુના પણ નોંધાયેલા છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ હાજર રહી ધારદાર રજૂઆતો કરી હતી.

Panchang

dd