નવી દિલ્હી, તા. 13 : દેશના
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે નિર્દોષોનો ભોગ
લેનાર લોહિયાળ ધડાકો કરાવનાર દરેકનો હિસાબ થશે. દિલ્હી ધડાકાના દોષીઓને મળનારી સજા
દુનિયાને સંદેશ આપશે. ગૃહમંત્રીએ પોતાના નિવાસસ્થાને જ બોલાવેલી એક ઉચ્ચસ્તરીય
બેઠકમાં ગૃહ મંત્રાલય તેમજ ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે આતંકવાદી
હુમલાની તપાસમાં પ્રગતિ અને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દિલ્હી
ધડાકાના સંબંધમાં બેઠક માટે અમિત શાહે અદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક ઉત્સવના
ઉદ્ઘાટન માટે આજે જ નિર્ધારિત ગુજરાત પ્રવાસ પણ રદ કરી નાખ્યો હતો. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષથી આતંકવાદ સામે ભારતની
લડાઇને આખી દુનિયાએ સ્વીકરી છે,
તેવું અમિત શાહે જણાવ્યું હતું. ભારત સરકાર અને દેશનું ગૃહમંત્રાલય
કોઇ આતંકવાદી તાકાતો આવો હુમલો કરવાનું વિચારી પણ ન શકે તેવી સજા દિલ્હી ધડાકાના
દોષીઓને આપવા પ્રતિબદ્ધ છે. ગૃહપ્રધાને અનેક બેઠકોના દોર બાદ આજે પણ ઉચ્ચસ્તરીય
બેઠક બોલાવીને તમામ એજન્સીઓને સ્પષ્ટ નિર્દેષ આપ્યો હતો કે, દોષીઓને
શોધીને કડક સજા અપાવવાની છે.