• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ગુજરાત એટીએસની કાર્યવાહી : આતંકનું સ્વરૂપ બદલાયું

દિલ્હીમાં લાલ કિલ્લા પર હુમલો થયો એ પહેલાંના બે દિવસ દરમ્યાનના બનાવો ઈંગિત કરે છે કે, આતંકવાદીઓ ભારતને અસ્થિર કરવા માટે, આપણા સુખચેન હણી લેવા માટે પૂરા સક્રિય છે. કાશ્મીરમાં 370ની કલમ દૂર થયા પછી નાપાક આતંકીઓના હાથ થોડા હેઠા જરૂર પડયા છે, પણ દેશ દુનિયામાં કટ્ટર વિચારસરણીવાળા લોકો યુવાનોને બહેકાવવાનું - ઉશ્કેરવાનું કામ આયોજનબદ્ધ રીતે કરી રહ્યા છે. જમ્મુ-કશ્મીર પોલીસે ફરીદાબાદ (હરિયાણા)થી લખનઉ સુધી અભિયાન ચલાવીને 2900 કિલો વિસ્ફોટક પદાર્થ કબજે કર્યો અને બે ડોકટર મુજમ્મિલ શકીલ તથા શાહીન શાહીદની ધરપકડ કરી. મુજમ્મિલ પાસેથી 360 કિ.ગ્રા. વિસ્ફોટક અને એસોલ્ટ રાયફલ મળી આવી. શાહીન પાસેથી તો એ.કે. 47 અને કારતૂસ કબજે લેવાયા. આ દર્શાવે છે કે, ઉચ્ચ શિક્ષિત યુવક-યુવતીઓ વધુ કટ્ટરતા સાથે માનવતાવિરોધી પ્રવૃત્તિમાં ગળાડૂબ બની રહ્યા છે. દેશ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. શિક્ષણ હંમેશાં જ્ઞાનનો દીપક પ્રગટાવે છે, એક સમજ કેળવે, દૃષ્ટિને સમરસ બનાવે પણ નઠારાં પરિબળો શિક્ષિતોને કટ્ટરવાદના કાળા ઇરાદા સાથે ભ્રમિત કરી રહ્યા છે... ગુજરાત એટીએસએ પણ સફળ ઓપરેશન ચલાવીને દેશને મોટી હોનારતમાંથી ઉગારી લીધો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું એ મુજબ આતંકવાદીઓનું લક્ષ્ય લખનઉ સ્થિત આર.એસ.એસ.નું મથક હતું. સદ્નસીબે કાવતરું નિષ્ફળ ગયું, પણ કદાચ આતંકીઓ સફળ થયા હોત તો એ દેશની શાંતિને પલિતો ચાંપવા સમાન લેખાયું હોત. એજન્સીઓના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓમાં પણ એક ડોક્ટર છે, જેણે રિસિન નામના ખતરનાક જૈવિક ઝેરનું પરીક્ષણ કર્યું હતું. રિસિનનો ઉપયોગ આતંકવાદના જૈવિક હથિયાર તરીકે કરવામાં આવે છે. એટીએસના જણાવ્યા અનુસાર દેશમાં તેનો પ્રયોગ થયો હોત તો એ સૌથી ભીષણ આતંકવાદી ઘટના હોત. વળી એ ઝેરને પ્રસાદમાં મેળવી દેવાયું હોત તો હજારોનાં મોત થયાં હોત. આ ઘટના એ વાત પણ પુરવાર કરે છે કે, આતંકવાદીઓ હવે પરંપરાગત પદ્ધતિ મૂકીને રાસાયણિક જૈવિક હથિયારોની દિશામાં આગળ વધી રહ્યા છે. આતંકવાદનો ચહેરો હવે  સાયબર, રાસાયણિક અને વૈચારિક રૂપ લઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક જેવાં રાજ્યો આતંકી સંગઠનના નિશાને રહ્યા છે. ગુજરાત વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે. ઝડપભેર પ્રગતિ થઇ રહી છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ મજબૂત અને મક્કમ છે. અત્યાર સુધી આતંકવાદ એટલે બોમ્બ ધડાકા, ગોળીબાર જેવા હુમલા, પણ હવે ટેકનોલોજીના પ્રવેશ પછી ઇરાદા વધુ કટ્ટર થયા ને સિસ્ટમ બદલાઇ છે. આપણે પારંપરિક આતંક સામે લડાઈમાં ઉલ્લેખનીય સફળતા મેળવી છે, પણ નવો ખતરો ટેકનિકલ અને વૈચારિક એમ બન્ને સ્તરે છે. આતંકવાદી પકડાયાના બનાવને સતર્કતામાં ઊણપ કહીને મૂકી દેવાને બદલે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિની સમીક્ષા અવશ્ય માની શકાય. આતંકવાદની બદલાતી પદ્ધતિ મુજબ તેની પ્રકૃતિ સમજીને આકરાં પગલાં લેવાની આવશ્કતા છે.

Panchang

dd