• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

બાબિયાની જમીન મુદ્દે 58.53 લાખની ઠગાઇ

ભુજ, તા. 13 : મુંદરા તાલુકાના બાબિયા ગામે જમીનના સોદામાં 58.53 લાખની છેતરાપિંડી કરવામાં આવી હોવા અંગે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવાઈ  છે. આ બાબતે પ્રાગપર પોલીસ મથકે ફરિયાદી કેરા ગામે રહેતા રામજી લાલજી વરસાણીએ નોંધાવેલી વિગતો પ્રમાણે તેમની બાબિયા સીમના જૂના સર્વે નં. 17/2 તથા નવા સર્વે નં. 79વાળી જમીનનો ચારેક વર્ષ પૂર્વે સોદો કરવામાં આવ્યો હતો. બેરાજાના મહેન્દ્રાસિંહ જીલુભા જાડેજાએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ માંડવીના ઉમિયાનગરમાં રહેતા રજાક કાસમ સુમરાને રૂપિયા 83,53,000માં જમીનનો સોદો કરાવ્યો હતો, જેનો દસ્તાવેજ ભુજના કેમ્પ એરિયામાં રહેતા ઉન્નડ ઓસ્માણ અલીમામદનાં નામે કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ત્રણ લાખનો બેન્ક ઓફ બરોડાનો ચેક અને બાવીસ લાખ રોકડા આપવામાં આવ્યા હતા. બાકીના 58.53 લાખ માટે બેન્ક ઓફ ઈન્ડિયાના અલગ-અલગ ચેકો અપાયા હતા. આ ચાર ચેક બેન્ક ઓફ બરોડાની કેરા બ્રાન્ચમાં વટાવતાં ચારેય ચેક અબ્દુલ રજાક સુમરાનાં ખાતાંમાં બેલેન્સ ન હોવાનાં કારણે પરત આવ્યા હતા. ખોટા વાયદા આપી જમીનના 58.53 લાખ ન આપી ત્રણેય આરોપીઓ મહેન્દ્રસિંહ, રજાક અને ઓસમાણ તથા તપાસમાં નીકળે તે ઈસમો દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવા અંગે ફરિયાદ દાખલ કરાવાતાં પ્રાગપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Panchang

dd