• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

દિલ્હીના ષડયંત્રકારી તબીબો; આતંકવાદનું ચોંકાવનારું રૂપ

સુરક્ષાના દૃષ્ટિકોણથી સૌથી સુરક્ષિત મનાતી દેશની રાજધાનીમાં આતંકવાદીઓએ કરેલા કાર બોમ્બ વિસ્ફોટે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. તેની પાછળનાં મુખ્ય ભેજાં એવા ડોક્ટરોની ભૂમિકાએ પણ સૌને ચોંકાવી દીધા છે. નિ:સંદેહ આ ઘટનાની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક છતી થવા સાથે એવી ચેતવણી મળી છે કે, આતંકવાદીઓ દેશમાં ફરી પગ પસારવાની વેતરણમાં છે. એનઆઇએ સહિત દેશના ટોચના સુરક્ષા અધિકારીઓ તપાસમાં સામેલ છે. લાલ કિલ્લા પાસેના બોમ્બ ધડાકા અનુસંધાને કેટલાક જવાબ સ્પષ્ટ થયા છે, તો કેટલાક સવાલો વધુ જટિલ બનતા જણાય છે. એમોનિયમ નાઇટ્રેટ તથા ઈંધણ તેલનો ઉપયોગ ધડાકા માટે થયો હોવાનું કહેવાય છે અને આરડીએક્સ કે અન્ય કોઈ અદ્યતન વિસ્ફોટકોનો ઉપયોગ થયો નથી એવું કહેવાયું છે. આ ઉપરાંત, ધડાકા માટે વપરાયેલી કારનું વેચાણ એકથી વધુ વખત થયું છે. એ દર્શાવે છે કે, આ આતંકવાદી કૃત્ય છે અને સરકારે આ હુમલાના મૂળ સુધી જવાની જવાબદારી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સોંપી છે. જો કે, આ હુમલાની સૌથી ચોંકાવનારી બાબત એટલે ડોક્ટર જેવા ઉચ્ચ શિક્ષિત અને પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આમાં સંડોવાયેલા છે. એક વાત તો દીવા જેવી સાફ છે કે, કોઈ મોટા હુમલાને અંજામ આપવાનું આ કાવતરું હતું અને તપાસકર્તાનો અંદેશો છે કે, વિવિધ રાજ્યોમાં હાલમાં થયેલી ધરપકડો અને મોટાં પ્રમાણમાં મળેલા વિસ્ફોટકો વચ્ચે કનેક્શન છે અને દિલ્હી હુમલાને અંજામ આપનારાઓએ ઉતાવળે કાં તો ગભરાટમાં ધડાકો કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસને જૈશ-એ-મોહમ્મદ તરફી પોસ્ટરોની તપાસ ફરીદાબાદ અને હરિયાણામાં ડોક્ટર અને તેની પાસે એમોનિયમ નાઇટ્રેટના સાડા ત્રણસો કિલો જથા તરફ દોરી ગઈ. આ ડોક્ટરે ઉત્તરપ્રદેશના સહારનપુરમાંના વધુ એક ડોક્ટરનું નામ આપ્યું અને આ બંને તબીબોને ઓળખતા એક ત્રીજા ડોક્ટર તથા જમ્મુ-કાશ્મીરના રહીશ વિસ્ફોટકોથી ભરેલી કાર ચલાવી રહ્યા હતા, તો આ આખા ષડયંત્રનો ભાગ એવી એક મહિલા ડોક્ટરની પણ ધરપકડ કરી લેવાઈ છે. અહીં પ્રશ્ન થાય કે તબીબી વ્યવસાયમાંના લોકો નિર્દોષોના જીવ લેવા શા માટે તૈયાર થયા હશે ? જો કે, આમાં નવું કશું જ નથી, કેમ કે આ પહેલાં વર્ષ 2000માં ઇન્ડિયન મુજાહિદ્દીનની આતંકી લહેરમાં રિયાઝ ભતકલ અને અબ્દુલ શુભાન કુરેશી જેવા એન્જિનીયરોની આગળ પડતી ભૂમિકા હતી. આથી, સન્માનિત વ્યવસાયમાંના લોકોને ધર્મનાં નામે આતંકમાં દોરી લાવી શકાય છે એમાં આશ્ચર્ય નથી. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન કંઈક અડપલું તો કરશે જ. વળી, મિલિટરી જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના સર્વ સત્તાધીશ બનવાથી એકાદ પગલું દૂર છે, ત્યારે ભારતે આ પ્રકારના હુમલાઓ માટે સજ્જ રહેવું પડશે. ભારત જડબાંતોડ જવાબ આપવા સમર્થ છે અને ભૂતકાળમાં પાકપ્રેરિત આતંકવાદી હુમલાઓ બાદ આપણી સેનાની પાંખોએ વળતો જવાબ આપ્યો જ છે. વળી, નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પણ આ બાબતે ગંભીર છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં બુધવારે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે ઘટનાને આતંકવાદી કૃત્ય ઘોષિત કર્યું છે. એનો સીધો અર્થ એ છે કે, પાકિસ્તાનની સીધી સંડોવણી પુરવાર થશે, તો પડોશી દેશે તેની મોટી કિંમત ચૂકવવી પડશે. દેશનો અને સરકારનો મિજાજ બદલાયો છે. વડાપ્રધાન, ગૃહ અને સંરક્ષણમંત્રી એકથી વધુવાર ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે કે, દેશના સંયમની સીમા હવે તૂટી ચૂકી છે. હવે ધીરજ ધરીને બેસીએ એ દિવસો ગયા. આથી આગામી સમયમાં ભારતનો વળતો પ્રહાર પણ જોવા મળશે, એમાં કોઈ શંકા નથી.

Panchang

dd