ભુજ, તા. 13 : ભૌગોલિક
દૃષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં પ્રવાસી પરિવહન માટે ધોરી નસ સમાન એસ.ટી.
સ્ટાફની ખાલી જગ્યાના અભાવે લોકોનું આવાગમન મુશ્કેલ બનતું હોય છે, તેવી રજૂઆત સાથે ભુજ વિભાગના
ધારાસભ્ય કેશુભાઇ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી કચ્છને
શિક્ષકોની જેમ ખાસ કિસ્સામાં સ્થાનિક ઉમેદવારોની ડ્રાઇવર-કંડક્ટર અને મિકેનિકલ
સાથે વહીવટી સ્ટાફની ભરતીની માંગ કરી હતી. ધારાસભ્ય કેશુભાઇએ લેખિત રજૂઆતમાં
જણાવ્યું હતું કે, વર્તમાન પ્રથા અનુસાર એસ.ટી. નિગમમાં
કેન્દ્રીયકરણ મુજબ ભરતી થાય છે. પરિણામે ઊંચું મેરિટ ધરાવનાર ઉમેદવારો કચ્છ
સિવાયના અન્ય જિલ્લામાંથી પસંદગી પામે છે, જેથી ઊંચા મેરિટ
અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના લીધે અન્ય જિલ્લામાં ફરી પસંદગી પામે છે અને અહીં
રાજીનામું આપીને નિગમની નોકરી છોડીને જતા રહે છે અથવા તો બદલી કરાવીને વતનની વાટ
પકડી લે છે, અન્યથા કચ્છમાં પસંદ થયેલા આવા ઉમેદવારો ગેરહાજર
રહી અન્ય જગ્યા માટે તૈયારી કરતા હોય છે, તેવો ઇતિહાસ રહ્યો
છે. પરિણામે આ સરહદી જિલ્લામાં ડ્રાઇવર-કંડક્ટરની તો ઘટ છે જ, ઉપરાંત દા.ત. મિકેનિક સ્ટાફનીયે 70 ટકા જેટલી ઘટ સર્જાય છે, જેનાં પરિણામે મરંમત
કામને અસર પડે છે અને રૂટ ટૂંકાવવા અથવા તો રદ કરવા પડે છે. વધુમાં કેશુભાઇએ
ઉમેર્યું કે, આ જિલ્લો દૂર દૂર અંતર ધરાવતો દુર્ગમ છે,
ત્યારે નિગમનું પરિવહન અત્યંત આશીર્વાદરૂપ છે, તેમ છેવાડાના જણ સુધી વાહનવ્યવહારની સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર સતત
કટિબદ્ધ છે, ત્યારે એસ.ટી. નિગમ દ્વારા પણ ખાસ કિસ્સામાં
તાંત્રિક વહીવટી સ્થાનિક સ્ટાફની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવા સાથે મહેકમથી 10 ટકા
વધુ સ્ટાફની મંજૂરી અને આ સમગ્ર ભરતીમાં બોન્ડ પ્રથા અમલી બનાવાય તો સરકારની
અપેક્ષા અનુસાર સુચારુ સંચાલન શક્ય બની શકે.