`પશ્ચિમ બંગાળની વિધાનસભામાં - બંગાળી ભાષા - લોકોની સ્વતંત્રતા
અને સલામતી સમસ્ત દેશમાં હોવી જોઈએ' એવા ઠરાવની ચર્ચા દરમિયાન જે ધમાલ થઈ અને વિપક્ષ - ભાજપના પાંચ સભ્યને સસ્પેન્ડ
કરવામાં આવ્યા તે ભાવિ માટે સૂચક છે ! દેશભરમાં ગેરકાયદે ઘૂસેલા અને ફેલાયેલા બાંગલાદેશીઓની
ભાષા બંગાળી છે, પણ ધર્મને આગળ ધરીને એમનો બચાવ થઈ રહ્યો છે,
તે પાછળ ચૂંટણીનું રાજકારણ છે. ઘૂસણખોરોને શોધીને પાછા મોકલવાનું અભિયાન
દેશમાં ચાલે છે, ત્યારે બંગાળી ભાષાનાં નામે ઊહાપોહ મચાવાઈ રહ્યો
છે. આમ પણ ભાષાનાં નામે લોકોને ભોળવી પોતાની રોટલી શેકવામાં આપણા રાજકારણીઓની તોલે
કોઈ આવી ન શકે. મમતાદીદી અત્યારે તો ધ બેંગાલ ફાઈલ્સ ફિલ્મ રાજ્યમાં રિલીઝ ન થાય એ
માટે તમામ શક્તિ લગાડી દીધી છે. ભાષાના મુદ્દે લડી રહેલા રાજ્યના નેતાઓ એક તરફ તો ફરિયાદ
કરે છે કે, તેમના પર કેન્દ્ર દ્વારા હિન્દી ભાષા થોપવામાં આવી
રહી છે, તો બીજી તરફ, આ નેતાઓ પોતાના રાજ્યમાં
સ્થાનિક ભાષાનો આગ્રહ રાખે છે, મલ્ટિપ્લેક્સમાં સ્થાનિક ભાષાની
ફિલ્મો ફરજિયાતપણે દેખાડવાના ફતવા બહાર પાડે છે. સ્થાનિક ભાષા માટે આદર અને પ્રાથમિકતા
સામે કોઈનેય વાંધો ન હોવો જોઈએ, પણ જે મુદ્દે તેઓ લડી રહ્યા છે,
એ જ તેઓ રાજ્યમાં રહેતા અન્ય ભાષિકો સાથે કરી રહ્યા છે. બંગાળનાં સિનેમાઘરોમાં
બંગાળી ફિલ્મો પ્રાઈમટાઈમમાં દેખાડવાનો મમતા સરકારે આપેલો આદેશ આનું ઉદાહરણ છે. ભારતનું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન - બંગાળની
`ભેટ'
છે તેથી બંગાળ કે બંગાળી ભાષા પ્રત્યે કોઈ દ્વેષ કે વેરભાવનો પ્રશ્ન
જ નથી. નહીં હોવો જોઈએ, પણ ભ્રષ્ટાચાર અને હિંસાચારથી બદનામ થયેલાં
મુખ્ય પ્રધાન મમતા બેનરજી ભાષાનો ઉપયોગ - કવચ - રાજકીય લડાઈમાં કરી રહ્યા છે. વિધાનસભામાં
ઉપરોક્ત ઠરાવ પસાર કરાવીને એમણે ભાષાવાદ અને બંગાળની અસ્મિતાનાં નામે ઉશ્કેરણી કરી
છે. હવે બિહાર પછી બંગાળમાં પણ મતદારયાદીઓની ચકાસણી થશે અને ઘૂસણખોરોને નકલી આધારકાર્ડ
અને ઇલેક્શનકાર્ડ અપાયાં હોવાની ફરિયાદ ઉપર તપાસ થશે. મમતા બેનરજી ગમે તેમ કરીને પોતાની
વોટ બેન્ક બચાવવા માગે છે અને તેઓ જાણે છે કે, ગૃહપ્રધાન અમિત
શાહ ઘૂસણખોરોની હકાલપટ્ટી કરવા માટે મક્કમ છે - તેથી મોદી અને અમિત શાહ `વોટચોર'
હોવાનું રાહુલ ગાંધીનું સૂત્ર પકડી લીધું છે. વિધાનસભામાં ઠરાવની ચર્ચામાં
બંગાળી ભાષાનો મુદ્દો છોડીને એમણે મોદી-અમિત શાહ વોટચોર હૈનું સૂત્ર ગજાવ્યે રાખ્યું
અને ભાજપ-વિપક્ષના સભ્યોને બોલવાનો મોકો નહીં મળતાં ધાંધલ-ધમાલ થઈ ત્યારે મુખ્ય પ્રધાન
ગૃહમાં એક વિજેતાની અદાથી ફરીને સભ્યોને સૂચના આપી રહ્યા હતા. એમનો મિજાજ કેન્દ્ર સરકાર
અર્થાત્ વડાપ્રધાન અને ગૃહપ્રધાનને પડકારવાનો છે - બંગાળમાં એક પણ ભાજપી ઉમેદવાર ચૂંટાઈ
નહીં શકે એવી ધમકી આપે છે! તેનો પ્રતિકાર - જવાબ આપવાની શરૂઆત મતદારયાદીની એક ચકાસણીથી
થશે.