ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે `અમેરિકા ફર્સ્ટ અને ફરીથી અમેરિકાને ગ્રેટ મહાન' બનાવવાની શરૂઆત કરી, ટેરિફ
આક્રમણ શરૂ કર્યું ત્યારે એમને કલ્પના ન હતી કે પાસાં ઊંધા પડશે ! આજે ટ્રમ્પના કારણે
દુનિયા બદલાઈ ગઈ છે. અમેરિકાને તેની દાદાગીરી ભારે પડશે. આંતરરાષ્ટ્રીય સ્થિતિ - સંબંધ
અને સંજોગ બદલાઈ રહ્યા છે. સ્વમાની ભારત માથું ઊંચકશે, નમાવશે
નહીં - એવો એમને ખ્યાલ પણ નહીં હોય. યુરોપના દેશો પણ ભારતની નજીક આવી રહ્યા છે. ભારત
સાથે દ્વિપક્ષી વ્યાપાર કરાર કરી રહ્યા છે. ચીન - રશિયા અને ભારતનો મોરચો મજબૂત બની
રહ્યો ત્યારે અમેરિકાની છાવણીમાં મદદની આશાએ શરણે બેઠેલા દેશો પણ ટ્રમ્પના કારણે હવે
અમેરિકા સાથેના ભાવિસંબંધ વિશે વિચાર કરતા થયા છે. ખુદ અમેરિકામાં ટીકા થાય છે કે ભારત
સાથે દુશ્મની ભારે પડશે. ટ્રમ્પે જ ભારતને ચીનની નજીક ધકેલ્યું છે ! ટેરિફ આક્રમણ અને
યુદ્ધવિરામના બહાને ભારત ઉપર દબાણ શરૂ થયું તેની પાછળ અમેરિકામાં પડદા પાછળ કામ કરતા
કાવતરાંબાજો જવાબદાર છે. ટ્રમ્પના વ્યાપારખાતાના સલાહકાર પીટર નવારોના `લવારા'
પછી બાજી ઉઘાડી પડી ગઈ છે. રશિયન ક્રૂડતેલ સસ્તા ભાવે ખરીદીને અન્ય દેશોને
ઊંચા ભાવે વેચીને ભારતનો `બ્રાહ્મણ
વર્ગ' માલેતુજાર બન્યો છે અને ભારતના લોકોને સાવધાન
- જાગૃત કરવા માટે અમેરિકા પ્રયાસ કરે છે - ચિંતિત છે! એમ કહીને ભારતના રાજકારણમાં
જાતિવાદ વધુ ભડકાવીને રાજકીય અસ્થિરતા ઊભી કરવાનો આ પ્રયાસ છે : હવે ચૂંટણીમાં આ મુદ્દો,
અમેરિકાના સમર્થનથી આવશે! ટ્રમ્પે ભારતને નિશાના ઉપર લઈને રશિયા - ચીનને
ધમકાવવા, ડરાવવાનું વિચાર્યું હતું. હવે આ ત્રણે દેશો - `િત્રમૂર્તિ'ના દર્શન થયા પછી ટ્રમ્પસાહેબ ભડકી ઊઠયા છે.
`અમેરિકા મહાન શક્તિશાળી દેશ છે અમને ડરાવનારા
સફળ નહીં થાય' એમ કહે છે પણ અત્યાર સુધી
અમેરિકાએ ચીનને અંકુશમાં રાખવા ભારત ઉપર મદાર રાખ્યો હતો. પાકિસ્તાનને ટેકો આપ્યો અને
મુનીરને મોંઘેરા મહેમાન બનાવ્યા તે પછી ચીન પાકિસ્તાનનો ભરોસો કરે? ઓપરેશન સિંદૂર વખતે ચીને શત્રો આપ્યાં પણ મુનીર તો જઈને ટ્રમ્પના ખોળામાં બેઠા!
અફઘાનિસ્તાન, બલુચિસ્તાનની ખનિજ સંપત્તિ લખી આપવા તૈયાર થયા.
ઈરાન સામે પાકિસ્તાનનો ઉપયોગ થવાની શક્યતા ચર્ચાવા લાગી - હવે ચીનને પણ ભારતની મૈત્રીનું
મૂલ્ય સમજાયું છે. ટ્રમ્પ પ્રથમ વખત પ્રેસિડન્ટ બન્યા ત્યારે એમણે કહ્યું હતું - પાકિસ્તાને
અમેરિકાને માત્ર જુઠ્ઠાણાં અને દગાબાજી સિવાય આપ્યું છે શું? હવે ટ્રમ્પને આશા છે કે મુનિર ખનિજ સંપત્તિ ચરણે ધરે છે અને શાંતિ માટે નોબલ
એવૉર્ડની ખાતરી આપે છે ! ભારતને અમેરિકા ઉપર ભરોસો હતો. વર્ષ 2000થી 2024 સુધીમાં અમેરિકા પાસેથી 24 બિલિયન ડોલરનો સંરક્ષણ સરંજામ
ખરીદવામાં આવ્યો છે. આ દરમિયાન રશિયા પાસેથી ખરીદી ઘટી છે : 76 ટકા ખરીદી ઘટીને છેલ્લાં પાંચ
વર્ષમાં 36 ટકા થઈ છે. છતાં દોસ્તી છે.
વાસ્તવમાં આપણા પ્રથમ વડા પ્રધાન નેહરુએ સામ્યવાદી અર્થવ્યવસ્થાથી પ્રભાવિત થઈને ભારતમાં
આયોજન પંચ અને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી હતી. ખાનગી અને જાહેર - સરકારી ક્ષેત્રના મિશ્ર
અર્થતંત્રની શરૂઆત કરી હતી અને નરસિંહ રાવે પ્રથમ વખત આર્થિક સુધારા કર્યા પણ સોવિયેત
રશિયાએ હંમેશાં ભારતની મદદ કરી છે - કાશ્મીરથી બાંગલાદેશ સુધી. પાકિસ્તાન - અમેરિકા
સામે ઈન્દિરા ગાંધીએ સોવિયેત રશિયા સાથે વીસ વર્ષના મૈત્રીકરાર કર્યા હતાં. આ સંબંધ
હવે વધુ ગાઢ બન્યા છે. પાકિસ્તાન - બાંગલાદેશ પણ હવે ભારતસામે આંખ - અથવા આંગળી ઊંચી
નહીં કરે. આપણી નીતિ જગજાહેર છે કે પાકિસ્તાની આતંકવાદને નેસ્તનાબૂદ કરવામાં આવશે
- અૉપરેશન સિંદૂર તો માત્ર અલ્પવિરામ છે - હવે પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરવાની હિંમત
કરશે? મુનીર હવે ચીન ઉપર આધાર નહીં રાખી શકે. અમેરિકા
અને ચીન બંને સાથે હાથ પકડવાનું - દહીં - દૂધમાં પગ રાખવાનું હવે શક્ય નથી. આપણા માટે
એક પ્રશ્ન છે : ચીન ઉપર ભરોસો કરી શકાય? ચીન સાથેની આપણી સરહદે
શાંતિ રહેશે? બંને દેશના 60,000 સૈનિકો સામસામે છે. વાસ્તવિક
અંકુશરેખા છે ત્યાં સૈનિકોની સંખ્યા ઘટાડી શકાય નહીં. સરહદની આંકણીની સમજૂતી નથી. તિબેટ, તાઈવાન અંગે પણ મતભેદ છે. આમ છતાં શાંઘાઈ સહકાર
સંગઠનની બેઠકમાં આતંકવાદ વિરોધી અભિગમનો સ્વીકાર થયો. આ સંગઠનના સંરક્ષણ પ્રધાનોની
બેઠક જૂન મહિનામાં મળી ત્યારે સંયુક્ત નિવેદનમાં પહલગામનો ઉલ્લેખ પણ થયો ન હતો જ્યારે
આ વખતે પહલગામ અને આતંકનો ઉલ્લેખ થયો છે. હવે ચીન સાથે ઉદ્યોગ વ્યાપાર સંબંધ સુધરશે.
ચીની મૂડીરોકાણના નિયંત્રણ હળવા થનાર છે. સૌથી વધુ મહત્ત્વની બાબત છે કે ભારતનું સ્થાન
- માન આંતરરાષ્ટ્રીય તખતા ઉપર કેન્દ્રમાં છે. ભારતના ભાવ પૂછાય છે. ટ્રમ્પના ટેરિફ
આક્રમણના પ્રતિકાર માટે ભારતીય અર્થતંત્રમાં મોટા - મહત્ત્વના સુધારા થઈ રહ્યા છે.
વિદેશ વ્યાપારના દ્વિપક્ષી કરાર ઉપરાંત વિકસી રહેલા દેશોમાં નિકાસ વધારવાની દિશામાં
પ્રગતિ છે. ભારતની આર્થિક આબાદી અને રાજકીય સ્થિરતાના કારણે વિશ્વને ભારત ઉપર ભરોસો
છે અને આંતરરાષ્ટ્રીય તખતા ઉપર ભારતનું સ્થાન છે તે અમેરિકા પણ હવે સ્વીકારે છે. ભારતની
લશ્કરી - સંરક્ષણ શક્તિનો પણ સ્વીકાર થાય છે. ચીન - રશિયાની સાથે હોવા છતાં આપણે અમેરિકા
વિરોધી નથી - ટ્રમ્પની વ્યાપાર નીતિ અને યુદ્ધવિરામની બડાશનો વિરોધ કર્યો છે. ચીનમાં
ત્રિમૂર્તિની મૈત્રી જોયા પછી ટ્રમ્પે નવું ગતકડું શરૂ કર્યું - ભારતે અમેરિકી આયાત
ઉપર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે પણ મોડું થઈ ગયું છે - શક્ય છે કે આવી વાત એમણે સમાધાન
- સૂચક તરીકે કરી હોય. ચીને વિશ્વની મહાસત્તા હોવાની ખાતરી કરાવી છે. વીસ દેશોના વડા,
દસ જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડા - યુનાઈટેડ નેશન્સના મહામંત્રી
સહિત - ચીનની રેડ આર્મીની ક્વાયત જોવા આમંત્રિત હતા. શાંઘાઈ સંગઠનના ઈતિહાસમાં આવું
શક્તિ પ્રદર્શન પ્રથમ વખત હતું અને શી જિનપિંગે ઘોષણા કરી : ચીન અજય છે. અમે શાંતિના
પક્ષમાં છીએ પણ કોઈની દાદાગીરીથી ડરતા નથી. આ મક્કમ સંદેશ - ચેતવણી અમેરિકાને આપી છે.
મોદી ચીન ગયા તેમાં ભારતને લાભ છે અને ચીનને પણ લાભ છે. પુતિન અને મોદી પણ અમારી સાથે
છે - એમ અમેરિકાને બતાવી દીધું છે. - હવે ટ્રમ્પ કહે છે અમેરિકા સામે કાવતરું છે!