ભારતીય સંસ્કૃતિમાં અનોખી રીતે વણાઈ ગયેલા સુવર્ણના આભૂષણો હવે
સામાન્ય વર્ગની પહોંચની બહાર થઈ ચૂક્યા છે. કિંમતી ધાતુના સતત વધી રહેલા ભાવ ક્યાં
જઈને અટકશે એ કોઈ કહી શકે તેમ નથી. ગુરુવારે સોનાંના ભાવ સર્વોચ્ચ સપાટીને આંબી ગયા
હતા. દસ ગ્રામ સોનાંનો ભાવ વધીને 1,06,970 થઈ ગયો હતો. આવી જ હાલત ચાંદીની રહી છે. એક કિલો ચાંદીના ભાવોમાં
ઉછાળો નોંધાઈને 1,25,600 થયો
હતો. સ્વાભાવિક રીતે આકાશને આંબતા આ ભાવોમાં સામાન્ય વર્ગ માટે કિંમતી આભૂષણો હવે દોહ્યલા
બનતા જાય છે. સોનાંના ભાવોમાં વધારાની પાછળ સંખ્યાબંધ કારણો કામ કરતા હોય છે. આમાં
સૌથી ચાવીરૂપ બાબત વિશ્વમાં વધતી જતી તંગદિલીને લગતી છે, જ્યારે જ્યારે લોકોમાં અસલામતીની લાગણી વધે
છે, ત્યારે તેઓ તેમની સંપત્તિનાં રક્ષણ માટે સોનાંમાં રોકાણ કરવા
લાગે છે. હાલે દુનિયામાં ચાલતા નાના કે મોટા
સંઘર્ષોને લીધે લોકો સોનાંની ખરીદી વધારી રહ્યા છે. બીજો મુદ્દો છે વૈશ્વિક અથતંત્રોમાં
સુસ્તીનો, હાલે અમેરિકા સહિતની આર્થિક મહાસત્તાઓમાં જે રીતે વેપાર
અને ઉદ્યોગ સુસ્ત છે તેવા સમયે લોકો તેમની રોકડને સલામત રાખવા સોનાંમાં રોકાણ વધારી
નાખતા હોય છે. આ બન્ને કારણને લીધે સોનાંની વૈશ્વિક માંગમાં ઉછાળો આવતાં ભાવો વધી રહ્યા
છે. ઉલ્લેખનીય છે કે, ચીન, ભારત, તુર્કી અને પોલેન્ડ
જેવા દેશોની સેન્ટ્રલ બેન્કો મોટાપાયે સોનું ખરીદી રહી છે. સોનું ખરીદતા દેશો એમ માને
છે કે, તેમની પાસે સોનાંનો વધુ જથ્થો એકત્ર થાય તો તેઓ ડોલરના
આધિપત્યને પડકારી શકશે. વળી હાલે ડોલરનો દર
ઓછો હોવાથી વિદેશીઓ માટે સોનાંની ખરીદી સસ્તી જણાય છે. આને લીધે યુરોપના લોકો પણ સોનું
ખરીદી રહ્યા છે. માંગની સરખામણીએ ઉત્પાદન ઓછું હોવાની અસર ભારત સહિતના એશિયન બજારોના
ભાવોનાં વલણ પર પડતી હોય છે. ભારતમાં શેરબજારમાં
તેજી-મંદીનો દોર ચાલી રહ્યો હોવાથી નાના અને મધ્યમ રોકાણકારો તેનાં નાણાં હવે વધુ સલામત
સોનાંમાં રોકવા લાગ્યા છે. આ બધાં સમીકરણોનો સરવાળો સોનાંના ભાવો હજી વધુ ઊંચાઈને આંબે
તેવા સંકેત આપી જાય છે. મહત્ત્વની બાબત એ છે કે, આવનારા દિવસોમાં
અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજના દરમાં ઘટાડો કરે એવી અટકળો છે. આ અટકળોને લીધે અમેરિકામાં
લોકો બચતનાં નાણાં સોનાંમાં રોકાણ વધારવા વળશે આમ થશે તો ભાવો હજી વધુ વધી શકે તેમ
છે. આવા સંજોગોમાં ભારતના સામાન્ય વર્ગે સોનાંના
આભૂષણોની મહેચ્છાને ફળીભૂત કરવા માટે ઓછા કેરેટના સુવર્ણના વિકલ્પોને અપનાવવા વિચારવું
પડશે, પણ ભારત જેવા વિશાળ દેશ અને તેની મસમોટી બજારમાં કોઈ પણ
સોંઘા વિકલ્પને મોંઘા થવામાં સમય લાગશે નહીં એ વાત પણ નક્કી મનાઈ રહી છે.