• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

મેવાસા ડેમ ઓગનતાંની સાથે જ તૂટયો

રાપર, તા. 8 : ખેતીપ્રધાન રાપર તાલુકામાં  ગઈકાલથી બપોર સુધીમાં એક સાથે હેલી વરસાવતા  તમામ જળાશયો  ઓગની ગયાં હતાં, જેનાથી શિયાળુ પાક મબલખ થશે, તે ફાયદો છે, પરંતુ  તાલુકાના હાઈવે  પટ્ટીમાં કેનાલ અને ડેમના ગાબડાંથી હાલ તો ધરતીપુત્રોને નુકસાન થયું છે. સમગ્ર તાલુકામાં  આજે સવાર સુધી તમામ ડેમ-તળાવ છલકાઈ ગયાં હતાં. સારા વરસાદના કારણે મેવાસાનો વર્ષો જૂનો નાની સિંચાઈનો ડેમ સવારે 11.30 કલાકે  ઓગની ગયો હતો. ડેમ ભરાતાંની સાથે જ બપોરે 11.45  વાગ્યાના અરસામાં જ મોટું ગાબડું પડી ગયું હતું. ગાબડું પડતાંની સાથે જ  મહામૂલું પાડી વેડફાઈ ગયું હતું. મેવાસાના ડેમ આસપાસની ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યાં હતાં.  આ ઉપરાંત જોધપર અને જંગર વાડીવિસ્તારની ખેતીની જમીનોમાં વાવેતર કરાયેલા ખેતીના પાકને ભારે જફા પહોંચી હોવાનું જાણકારોએ  જણાવ્યું હતું.  ડેમ તૂટયાની જાણ થતાં લોકો પહોંચી ગયા હતા અને આસપાસના  લોકોને  તકેદારી દાખવવા  જાણ કરી  હતી. ગાબડાનાં કારણે અત્યારે માત્ર બે ફૂટ જેટલું જ પાણી  રહ્યુyં હતું. ડેમનાં ગાબડાં ઉપરાંત  ગાગોદર પેટાકેનાલમાં પલાંસવા પાસે  મોટું ગાબડું પડયું હતું. ગાબડાંનાં કારણે  છલોછલ ભરેલું વરસાદી  પાણી   આસપાસનાં ખેતરોમાં  વહ્યું હતું. પલાંસવા અને અમરાપરના ખેતરોમાં  પાણી ફરી વળતાં પાકને વ્યાપક નુકસાનીની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વરસાદના કારણે અનેક સ્થળે   ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે, ત્યારે પાણી ઓસર્યા બાદ જ પાકની નુકસાનીનો અંદાજ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેનાલમાં અનેક વખત  ગાબડાં પડયાં છે તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ ઊઠયા છે.  

Panchang

dd