ભારતના ઉપરાષ્ટ્રપતિ - રાજ્યસભાના અધ્યક્ષપદેથી જગદીપ ધનખડે
- સ્વાસ્થ્યના કારણસર રાજીનામું આપ્યા પછી - હવે આજે આ પદ માટે ચૂંટણી થઈ રહી છે, તેના ઉપર સૌની નજર છે. એનડીએના ઉમેદવાર તરીકે
મહારાષ્ટ્રના રાજ્યપાલ થીરૂ રાધાકૃષ્ણનની પસંદગી અને જાહેરાત થયા પછી વિપક્ષી મોરચા
સમક્ષ બે વિકલ્પ હતા - એક તો સર્વાનુમતે રાધાકૃષ્ણનને સમર્થન આપવું અથવા યોગ્ય હરીફ
ઉમેદવારને મેદાનમાં ઉતારવા. આખરે વિપક્ષી સંગઠને સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા
છે. મંગળવારે મતદાન પછી પરિણામ જાહેર થશે. અત્યાર સુધી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં
ચાર વખત વિના વિરોધે ચૂંટાયા હતા. સામાન્ય રીતે સંસદીય શિરસ્તો રહ્યો છે કે,
રાષ્ટ્રના બે ઉચ્ચત્તમ હોદ્દામાં ભૌગોલિક સમતુલા જળવાય. એનડીએના ઉમેદવાર
રાધાકૃષ્ણન દક્ષિણમાં - તામિલનાડુના છે, તેથી એવી ગણતરી હતી કે
દ્રવિડ પક્ષો એમને સમર્થન આપશે. આગામી વર્ષે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી હોવાથી તમિળ
ઓબીસી ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, ત્યારે પ્રાદેશિક તમિળ
- દ્રવિડ પક્ષો વિરોધ નહીં કરે એવી ધારણા હતી, પણ હવે રાજકારણમાં
પ્રદેશ અને ભાષા કરતાં રાજકીય ગણતરીને વધુ મહત્ત્વ અપાય છે. તે મુજબ સુદર્શન રેડ્ડી
હરીફ ઉમેદવાર છે. આઝાદી પછી અત્યાર સુધીમાં જગદીપ ધનખડ સહિત 14 ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા છે. રાજ્યસભામાં
ચૂંટાવાની પાત્રતા હોય એ ઉમેદવારી કરી શકે, કારણ કે, ચૂંટાયા પછી એમણે રાજ્યસભાના અધ્યક્ષની જવાબદારી
પણ સંભાળવી પડે છે. આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને હમીદ અન્સારીએ
આ પદની જવાબદારી બે ટર્મ - 10 વર્ષ સુધી સંભાળી હતી. ડો. રાધાકૃષ્ણન, ડો. ઝાકીર હુસૈન, વીવી
ગિરિ અને કે.આર. નારાયણન ઉપરાંત આર. વેંકટરામન અને ડો. શંકર દયાળ શર્મા ઉપરાષ્ટ્રપતિ
પદ પછી રાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા. આમાંના ત્રણ ઉપરાષ્ટ્રપતિ - ડો. રાધાકૃષ્ણન,
ઝાકીર હુસૈન અને વીવી ગિરિને ભારતરત્ન ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.
વીવી ગિરિ, આર. વેંકટરામન અને ડો. શંકર દયાળ શર્માએ ઉપરાષ્ટ્રપતિ
પદનું રાજીનામું આપીને રાષ્ટ્રપતિ પદ મેળવ્યું હતું.આ વખતે રાજ્યસભા અને લોકસભાના કુલ
સભ્યો - 788 છે અને એનડીએનું
સંખ્યાબળ 421 છે. બાર નિયુક્ત સભ્ય છે, તે જોતાં સત્તાવાર ઉમેદવારનો વિજય નિશ્ચિત મનાય
છે, પણ બીજુ જનતા દળ અને વાયએસઆર કોંગ્રેસના સભ્યોનું સમર્થન
કોને મળે છે તે જોવાનું છે. વિપક્ષી મોરચાનું લક્ષ્ય વિજય કરતાં એનડીએના ગઢમાં ગાબડાં
પડે છે કે નહીં તેના ઉપર છે. બિહારની ચૂંટણી ઉપર પણ પરિણામનો પ્રભાવ પડશે.