• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

લોકમેળામાં ઝીલાય છે કચ્છની સંસ્કૃતિનો ધબકાર

1970 અને 80ના દાયકાની ગુજરાતી ફિલ્મો જોનારાઓને ખ્યાલ હશે કે, મોટાભાગની ફિલ્મોમાં `મેળો' હોવાનો જ. ગામના પાદરે કે મંદિરે ગામડાંના નર-નારીઓ સજીધજીને ઊમટયા હોય... ચગડોળને આવરી લેતું ગીત પણ કોમન. મેળા સંસ્કૃતિ કેટલેક અંશે હિન્દી ફિલ્મોમાંય ઝળકી છે. શોલેનું હોલી કે દિન દિલ... ગીતના પાશ્ચાદભૂમાં હોળી સાથે મેળો પણ છે. એ બધી વાતોને ચાર-પાંચ દાયકા વિત્યા છતાં મેળાનાં આયોજન યથાવત્ છે. સામાન્ય રીતે શ્રાવણને ઉત્સવોનો અને મેળાઓનો મહિનો કહેવાય. કચ્છમાં અને ગુજરાતમાં ભાદરવા દરમ્યાન પણ મોટા મેળા યોજાતા રહે છે. મેળામાં વેચાતી ચીજ-વસ્તુઓ, ખાદ્ય સામગ્રીમાં જમાનાને અનુરૂપ બદલાવ આવ્યો છે, પણ ઉમંગ અને ઉલ્લાસ તો હજુએ ભરપૂર... કચ્છના તરણેતરના મેળાની ઉપમા ધરાવતા મોટા યક્ષના મેળામાં રાતભર હજારો લોકો મોજ માણવા ઊમટે છે. લોકમેળા જે-તે પ્રદેશની સંસ્કૃતિનો પરિચય મેળવવાનું પ્રબળ માધ્યમ છે. હરેશ ધોળકિયા કહે છે કે, લોકમેળાનું મુખ્યત્વે ગ્રામ્ય પ્રજા માટે મહત્ત્વ છે. શહેરોમાં તો આમે પણ ભીડને લીધે મેળો જ જોવા મળે. ગ્રામ્ય જીવન સામાન્ય રીતે એકધારું - શાંત જીવાતું હોય એટલે મેળાનું આકર્ષણ વિશેષ હોય. નર-નારીઓ મેળામાં આવીને હળવાશ અનુભવે. આપણા કચ્છડા કામણગારામાં પણ અનેક પ્રકારના ઉત્સાહ, ઉમંગ, સંસ્કૃતિ, કલાવારસા, ખાણી-પીણી અને મનોરંજનથી ભરચક એવા પરંપરાગત મેળાઓ યોજાય છે અને કચ્છવાસીઓ એ મેળાને ભરપૂર રીતે માણે છે. મિની તરણેતર ગણાતો મોટા યક્ષ (યક્ષ બૌંતેરા)નો મેળો, રામદેવપીર મેળો, હાજીપીર મેળો, ભેડ માતાનો મેળો, હબાયમાં ભીમ અગિયારસનો મેળો એવા કંઈ કેટલાય મેળાઓ કચ્છના વિશાળ ભૂખંડપર યોજાય છે, જેમાં માત્ર ખાણી-પાણી કે મનોરંજન જ નહીં, પણ પાંજો મુલક કચ્છડાની વૈવિધ્યસભર કલા-સંસ્કૃતિ, વેશભૂષા, લોકસંગીત, હસ્તકલા અને કચ્છની બેનમૂન સાંસ્કૃતિક વિરાસતનું આદાન-પ્રદાન લોકો વચ્ચે થાય છે. રતનાલ સહિત આહીરપટ્ટીનાં ગામોમાં લોકો સાથે મળી કૃષ્ણભક્તિ કરે ત્યારે મેળો રચાય. શીતળા સાતમ અને આઠમે ભુજના હમીરસર કાંઠે મેળામાં હજારો લોકો ઊમટી પડે ને શીતળા તેરસે માંડવીના શીતળા મંદિરે યોજાતો મેળો પણ વિખ્યાત છે. મેળો ઉત્સવનો પર્યાય છે. લોકો આનંદપ્રિય હોય ત્યાં મેળો જામે. દુનિયાભરમાં ઉત્સવ, મેળા, લોકનૃત્યો જેવા કાર્યક્રમ જીવનનો કંટાળો-થકાવટ દૂર કરે છે. કવિ કાલિદાસે કહ્યું છે, `ઉત્સવ પ્રિય: જના:' એકલા કચ્છમાં જ દોઢસોથી વધુ મેળા ભરાતા હોવાનું `કચ્છ પ્રવાસની સંક્ષિપ્ત માર્ગદર્શિકા'માં નોંધાયું છે. વરણુદાદા, ગુરુદત્તાત્રેય-કાળો ડુંગર, ધીણોધર, રૂકનશાપીર, મામઈદેવ, રાવળપીરનો મેળો પણ પોતાની વિશિષ્ટતા ધરાવે છે. ચૈત્ર સુદ પૂનમે અંજારમાં જેસલ-તોરલનો મેળો ભરાય. તલવાણામાં રૂકનશાપીરનો મેળો દાયકાઓથી કોમી એકતાનું પ્રતીક બની રહ્યો છે. મોટા યક્ષ જેવા મહામેળામાં છેક ભુજ અને ગાંધીધામથી શોખીનો ઊમટે છે. આ મેળામાં રાત પડે ને દિવસ ઊગે એવો તાલ થાય છે.  કચ્છના લોકમેળાઓ પ્રત્યે વિદેશી સહેલાણીઓમાં આકર્ષણ જોવા મળ્યું છે. કચ્છનું પ્રવાસન તો પાંચ-સાત વર્ષથી વિકસ્યું છે. રવેચીના મેળામાં તો વર્ષોથી વિદેશીઓની હાજરી જોવા મળે છે. ગ્રામીણ લોકોના રંગબેરંગી પરિધાન, આભૂષણો તેમને ખૂબ પસંદ પડે છે. દેશભરના તસવીરકારોને લોકમેળાઓ જબરજસ્ત ફ્રેમ પૂરી પાડે છે. હવે આધુનિક સમયમાં માર્કેટિંગનું તત્ત્વ ઉમેરાયું છે. મોટા યક્ષનું ધામ ભુજથી 35 કિલોમીટર અને નખત્રાણાથી 1પ કિ.મી.ના અંતરે આવેલું છે. કકડભિટ્ટનો લોકમેળો કચ્છના `િમની તરણેતર'ની ઉપમા ધરાવે છે. રાજાશાહીના જમાનામાં આ લોકમેળો આઠ દિવસ ચાલતો. જૂના વખતમાં વાહનવ્યવહારની સગવડો નહીંવત હોવાથી લોકો હાથવગા ગાડા, ઊંટ, સાઈકલ પર કે પગપાળા જતા. સમય બદલાયો એટલે રાજદૂત અને સ્કૂટર લ્યુનાથી લોકો પરિવાર સાથે પહોંચતા થયા. ત્યારે આજની જેમ હૈયાહોળી નહોતી. નિરાંત વધુ હતી. આજે વાહનો ખૂબ વધી જતાં મેળાથી બે-ત્રણ કિલોમીટર દૂર સુધી પાર્કિંગમાં જાણે વાહનોનોય મેળો લાગ્યો હોય છે.  કચ્છના લોકમેળાઓમાં આજે પણ ગ્રામીણ પરંપરા જળવાયેલી છે. બખમલાખડો, ઘોડાદોડ, રેકડાદોડ જોવા લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે. કરોલપીરનો મેળો બખમલાખડા માટે મશહૂર છે, તો શ્રાવણ વીતિ ગયા પછી શ્રાદ્ધ પક્ષમાં યોજાતા સરાદિયા મેળાનીય પોતાની વિશિષ્ટતા છે. ભચાઉ-ભુજ માર્ગ પર કબરાઉ-પાંકડસર ગામની સામે તળાવના રમણીય કિનારે ઉદાસીન નિર્વાણ આશ્રમે શીખ ધર્મના સંત ગરીબદાસજી બાપુની જગ્યાએ ભાદરવી દસમે યોજાતા મેળામાં દૂર દૂરથી ભાવિકો આવે છે. અહીં કાચબા સહિતના જળચરો માટે ખીચડો ધરાવવાની પરંપરા છે. લોકસંસ્કૃતિ અને લોકસંગીતમાં પણ સપ્તરંગી મેળાઓનું રોચક વર્ણન અને વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. આધ્યાત્મિક જગતમાં પણ `મેલે મેં અકેલા... અને એકેલે મેં મેલા' એવો ફિલોસોફિકલ એપ્રોચ મનીષીઓ સમજાવે છે. પ્રસિદ્ધ ગુજરાતી ગરબો `હું તો ગઈ તી મેળે...' મેળા માટેનું સિમ્બાલિક સોંગ છે. જે આપણને શબ્દ અને સ્વરના સંયોજન વડે મેળાની આહલાદક સફર કરાવે છે. મેળાઓ મનોરંજનનું માધ્યમ છે. જેવી રીતે નદીઓ માનવસંસ્કૃતિ સાથે સદીઓથી ખળખળ વહે છે તેવી રીતે મેળાઓ પણ માનવજાતને હંમેશાં સંવર્ધિત કરતા રહ્યા છે અને એના આનંદમાં લોકો પોતાના દુ:ખ, દર્દ, પીડા, હતાશા, નિરાશા બધું જ ખંખેરી નાખે છે અને નવા જીવનનો જોમ, જુસ્સો, ઉત્સાહ કે સકારાત્મક ગતિ પ્રાપ્ત કરે છે અને નવાં જીવનનો સૂર્યોદય થાય છે, તે અર્થમાં મેળાઓને નવઊર્જાનો સ્રોત પણ ગણી શકાય... 

Panchang

dd