• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

નેપાળમાં `ઓલીરાજ' સામે આક્રોશ; 22 યુવાનનાં મોત

કાઠમંડુ, તા. 8 : નેપાળ માટે સોમવારે કમનસીબ સવાર ઊગી હતી. દેશમાં ભ્રષ્ટાચાર અને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુ-ટયુબ જેવા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ઉગ્ર વિરોધ- દેખાવો કરી રહેલા ઝેન ઝેડ એટલે કે, 18થી 30 વર્ષના યુવાન પ્રદર્શનકારીઓ સંસદ ભવન પરિસરમાં ઘૂસી ગયા હતા. ઓલી સરકાર સામે વિદ્રોહ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. સેનાએ આ યુવાનોને રોકવા માટે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં 22 લોકોનાં મોત  થઈ ગયાં હતાં, તો અન્ય 200થી વધુ યુવાન દેખાવકારો ઘાયલ થયા હતા. નેપાળમાં સોશિયલ મીડિયા ફરી શરૂ કરી દેવાયું હતું. વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીનાં રાજીનામાની માંગ બુલંદ બની હતી. કાઠમંડુ અને પોખરા સહિત છ શહેરમાં કર્ફ્યૂ લાદી દેવાયો હતો. ઓલી સરકાર સામે ક્રાંતિ વચ્ચે વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ તાત્કાલિક બોલાવેલી કેબિનેટની બેઠક દરમ્યાન ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાક્રમ પ્રદર્શનકારીઓની મોટી જીત મનાય છે. ભારતે એલર્ટ જારી કરીને સીમા પર સશત્ર સીમાદળ (એસએસબી)ના જવાનો તૈનાત કર્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો ફેંસલો તેમજ સરકારના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેખાવો કરતાં 12 હજારથી વધુ પ્રદર્શનકારી યુવાનો સંસદ ભવન પરિસરમાં ઘૂસી ગયા હતા. નેપાળના ઈતિહાસમાં સંસદમાં ઘૂસવાનો આ પ્રથમ મામલો છે. દેખાવકારોએ સંસદના ગેટ નંબર-1 અને 2 પર કબજો કરી લીધો હતો. ભારે ઉગ્ર વિરોધ-પ્રદર્શન બાદ સંસદભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન આવાસની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યૂનું નિયંત્રણ લાગુ કરી દેવાયું હતું. પ્રશાસને તોડફોડ કરનાર તત્ત્વોને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપી દીધો હતો. યુવા પ્રદર્શનકારીઓ ગેટની દીવાલ પરથી કૂદકો મારીને સંસદ પરિસરમાં ઘૂસ્યા હતા. પોલીસે અશ્રુવાયુના ગોળા છોડયા હતા, તો સેનાએ ગોળીબાર કર્યો હતો. યુવાનોએ ક્યુઆર કોડવાળા બેનર લહેરાવીને અન્ય લોકોને પણ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થી-છાત્રાઓ દેખાવોમાં જોડાયા હતા. યુવા દેખાવકારોએ કહ્યું હતું કે, અમે કંઈ પણ બોલીએ તેમાંય સરકારને અપરાધ લાગે છે. દરમ્યાન, પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ `પ્રચંડ' તરફથી સરકારને યુવાનોની માગો પર ધ્યાન આપવાની અપીલ કરી હતી. સ્થિતિને વધુ બગડતી રોકવા માટે નેપાળ સરકારે જવાબદારી સાથે નક્કર પગલાં ભરવાં જોઈએ, તેવું કહેતાં સંસદમાં મુખ્ય વિપક્ષના નેતા પ્રચંડે ગોળીબારમાં જીવ ખોનાર યુવા દેખાવકારોને અંજલિ આપી હતી. 

Panchang

dd