માતાના મઢ, તા. 8 : દેશદેવી
મા આશાપુરાના સ્થાનક માતાના મઢમાં આશાપુરા મંદિરની સામે રાજ્ય સિંચાઇ વિભાગ દ્વારા
નદીના ભાગમાં દક્ષિણ દિશામાં વરસાદી પાણીના વહેણ વાળવા નદીના ભાગે એક બંધારો બનાવવામાં
આવ્યો છે. જેનું પાણી ગામની બહાર ડાયવર્ટ કરવાની યોજના હતી તે કામ આ વર્ષે પૂર્ણ થઇ
ગયું છે. અંદાજે પંદર કરોડના ખર્ચે કેનાલ તથા સોઢા કેમ્પમાં જવા-આવવા માટે બે પુલ બનાવવામાં
આવ્યા છે. આ બંધારાની ઉપરવાસમાં જાવા તળાવ તથા અન્ય બે જેટલા તળાવો આવેલા છે, તે તળાવો, ડોમો હજી સુધી છલકાયા નથી. તે જો ઓવરફલો થશે
ત્યારે બધું પાણી આ બંધારામાં આવશે તેવી ભૌગોલિક સ્થિતિ છે. આ બંધારાના ઓગનની પહોળાઇ
માત્ર બાવીસ મીટરની છે. અત્યારે આ ઓગનની વચ્ચે પાણીનો પરપોટા નીકળી પાણી કેનાલ તરફ
જઇ આવ્યું છે ચિંતાજનક છે. આવી સ્થિતિમાં જળસંકટ પણ સર્જાઇ શકે છે. ઉપરવાસમાં આવેલા
જાવા ડેમ સહિતના અન્ય બે ડેમ છલકાશે ત્યારે આ બંધારાનું પાણી તેના ઓગન મારફતે કેનાલમાં
સહીસલામત વહેશે કે કેમ એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આ લખાય છે ત્યાં સુધી સૌ સલામત સ્થિતિ
છે, પણ જો અતિભારે વરસાદ પડે તો અને, જાવા
ડેમ સહિતના ડેમો ઓગનાય તો મંદિરના સ્ટ્રેટ દિશામાં નદીમાં બાંધેલો બંધારો સલામત રહેશે
કે કેમ તે એક મોટો સવાલ છે. આ વિશે રાજ્ય સિંચાઇ વિભાગના ઇજનેરથી ટેલિફોનિક સંપર્ક
સાધવાનો પ્રયાસ વિફળ નીવડયો હતો. આ બંધારાના કોન્ટ્રાક્ટર યુવરાજસિંહથી વાત કરતાં તેમણે
જણાવ્યું કે, આ બંધારાનું કામ મારી પાસે હતું. કેનાલ તેમજ સોઢા
કેમ્પના માર્ગે બે પુલ બનાવવામાં આવ્યા છે તે અલગ અલગ કોન્ટ્રાક્ટર દ્વારા થયા છે.
ઇજનેર ભાવિકભાઇએ જણાવ્યું હતું કે, આ બંધારાનું ઓગન 22 મીટર
પહોળું છે. તેના નકશા અને માપ સ્ટેટ સિંચાઇ વિભાગે બનાવ્યા છે. પણ, સવાલ એ છે કે મા આશાપુરાજીના મંદિરની સામે અંદાજે 400 મીટર
દૂર આ બંધારો બાંધવામાં આવ્યો છે. ઉપરવાસમાં આવેલા ત્રણ જેટલા ડેમો ઓગનવાના બાકી છે.
તે ઓગન્યા બાદ તે વરસાદી પાણીની શક્તિ ચારગણી વધશે તેવું લોકો જણાવી રહ્યા છે. જો આજની
રાત્રિએ આગાહી મુજબ વરસાદ પડે તો મંદિરના ગર્ભગૃહમાં પાણી જશે, ગામના પરીયાણ વાસ ઉપર પણ જોખમ થશે એટલે ગ્રામજનો ચિંતા તેવી રહ્યા છે.