• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

કચ્છમાં મેઘોત્સવ; રાપરમાં રૌદ્ર રૂપે વધુ 7 ઇંચ

ઘનશ્યામ મજેઠિયા દ્વારા : ભુજ/રાપર, તા. 8 : ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છમાં ભાદરવે આષાઢને ભૂલાવી દે તેવી મેઘમહેરે સર્વત્ર લીલાલહેર કરાવી દીધી છે. ખાસ કરીને રાપર તાલુકામાં રૌદ્ર સ્વરૂપે વરસેલા મેઘરાજાએ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી હતી. રાપરમાં બે દિવસમાં 17 ઇંચ સાથે જિલ્લાના દસેય તાલુકામાં વરસાદે રીતસરની ધબધબાટી બોલાવી હતી. વડીલોએ મોરબી હોનારત વખતનો (1979)નો ભીષણ વરસાદ યાદ કરીને કહ્યું હતું કે, એ પછી 45 વર્ષે આવો ભારે વરસાદ રાપરે અનુભવ્યો છે. સતત સાતમા વર્ષે જિલ્લામાં 100 ટકા વરસાદ નોંધાયો છે. ભુજનું હૃદય હમીરસર તળાવ મોડી સાંજે ઓગનતાં શહેરીજનોનો ઉમંગ હિલોળે ચડયો હતો. આ તરફ સાર્વત્રિક મેઘકૃપાથી મધ્યમ સિંચાઇના 11 અને નાની સિંચાઇના 93 ડેમ છલકાયા છે. બન્ની-પચ્છમ ભારે વરસાદથી તરબતર થવા સાથે ભુજમાં સાડા પાંચ, લખપતમાં સાત, ગાંધીધામમાં છ, ભચાઉમાં પોણા છ, અંજાર-નખત્રાણામાં પાંચ, અબડાસામાં ત્રણ અને માંડવી-મુંદરામાં બે ઇંચ સાથે વરસાદે ફરી એકવાર હેત કચ્છ પર વરસાવ્યું છે. રાપર તાલુકામાં 15થી વધુ માર્ગ બાધિત થવા સાથે કેટલાક એસ.ટી.ના રૂટ પણ બંધ કરાયા હતા.વીજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો. ટપ્પર ડેમ 94 ટકા ભરાતાં ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. કચ્છ પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે નબળું પડી પાકિસ્તાન તરફ આગળ ધસ્યું છે, જેથી અતિભારે વરસાદનું સંકટ ટળી ગયું છે, પણ હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ડીપ ડિપ્રેશનની અસર તળે સમગ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી મુજબ રવિવારે બપોરથી વાગડમાં વરસતા વરસાદે મધરાત્રિથી  રોદ્રસ્વરૂપ ધારણ કરતાં શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નજર કરો ત્યાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ  જેવી સ્થિતિ સર્જાઈ હતી.  વાગડમાં બારે મેઘ ખાંગા થતાં એક જ રાતમાં તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા. જળાશયોની ક્ષમતાથી વધુ   જોખમી સ્તરે વહેતા થતાં ખડીર અને અનેક ગ્રામ્ય વિસ્તારો તાલુકા મથકથી વિખૂટા પડયા હોવાની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, વરસાદથી સ્થિતિ વચ્ચે હાઈવેપટ્ટીના ગામમાં નદીના પાણી ભરાતાં લોકોને સલામત  સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી જળ હોનારત પછી  એટલે કે, સાડાચાર દાયકા બાદ વાગડમાં 20 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાનું  ગ્રામજનોએ જણાવ્યું હતું. ભારે પવનના કારણે  ખેતીના પાકને નુકસાનીની  દહેશત વ્યક્ત કરાઈ રહી છે. વરસાદથી સ્થિતિ વિકટ બની હતી. જો કે, બપોર બાદ  વરસાદ હળવો થતાં વધુ નુકસાની અટકી હતી. - આખી રાત ઘમરોળાયું : રાપર  શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારને આખી રાત મેઘરાજાએ ઘમરોળ્યું હતું.  સતત  વરસતા વરસાદ વચ્ચે ગ્રામ્ય  વિસ્તારના લોકોએ ભયના ઓથાર તળે રાત વીતાવી હતી. રાત્રિના જ  12 વાગ્યા સુધી  10 ઈંચ વરસાદ ખાબક્યા બાદ આખી રાત અને સવારે 10 વાગ્યા સુધી મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ કરીને તાલુકાને ઘમરોળ્યો હતો.  ચોમેર  વરસેલા વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બનશે તેવી ભીતિ સર્જાઈ હતી. - પ્રાંથળ વિખૂટું પડયું : ખેતી ઉપર માત્ર વરસાદી પાણીનો જ આધાર છે, તેવા પ્રાંથળના વડામથક સમા બાલાસર, લોદ્રાણી, બેલા, શિવગઢ, મૌવાણા, વ્રજવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ભરપૂર વરસાદથી  તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા. તમામ ખેતરો  તળાવમાં ફેરવાઈ ગયાં જેવી સ્થિતિ  સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ખારી નદીના  પુલ ઉપરથી પાણીનો પ્રવાહ  સવારથી જ ધસમસતો રહ્યો હતો, જેના કારણે બાલાસરથી ધોળાવીરાનો માર્ગ  બંધ  થઈ ગયો હતો હોવાનું બાલાસરના પ્રતિનિધિ જયેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. - અનેક માર્ગો અવરોધાયા : ભારે વરસાદના કારણે તાલુકાના અનેક માર્ગો અવરોધાયા  હતા. રાપર તાલુકાના ડાવરી ગામમાં જળભરાવની સ્થિતિ સર્જાતાં  ગ્રામજનો વિકટ સ્થિતિમાં મુકાયા હતા. ફતેહગઢ ડેમ ઓવરફ્લો થયા બાદ  સમગ્ર માર્ગ ઉપર પાણી ફરી વળતા રાપર ફતેહગઢ માર્ગ પણ બંધ થઈ ગયો હતો.   ભોજનારી ડેમનો ઓગન તરફ જવાનો રસ્તો પણ તૂટી ગયો હતો. રાપર તાલુકાના ભીમાસર ગામનું તળાવ  ઓવરફ્લો થયા બાદ રેલવે સ્ટેશન જવાના પુલિયા પાસે પાણી વહેતા વાહન વ્યવહાર અવરોધાયો હતો. આ ઉપરાંત રાપર આડેસર રસ્તો પણ અવરોધાયો હતો. આ ઉપરાંત રવેચી નદી પણ ઓવરફ્લો થતાં ભયજનક સપાટીએ વહી રહી છે અને રસ્તા ઉપર નદીનાં પાણી ફરી  વળ્યાં છે. કીડિયાનગર છોટાપર નદી પૂરઝડપે વહી નીકળતા વાહનવ્યહાર બંધ કરવો પડયો હતો, તો  રાપરની ફલકુ  નદીમાં પાણીની જોશભેર આવકથી  વાહનવ્યવહાર બંધ કરવો પડયો હતો. - 15 લોકો, 20 છાત્રો બચાવાયા : રાપર તાલુકાના હાઈવે પટ્ટીમાં આવેલા માનગઢ ગામમાં નદીના પાણી ઘૂસી જતાં અનેક ઘરોમાં પાણી  ઘૂસ્યાં હતાં, જેના કારણે આ વિસ્તારના 15 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. રાપરમાં ખોડિયાર નગર ખાતે આવેલાં રબારી સમાજનાં બોર્ડિંગમાં  પાણીનું સ્તર વધતાં 20 જેટલા વિદ્યાર્થીને પોલીસ દ્વારા  સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  ચિત્રોડ-રાપર માર્ગ ઉપર આઈ.ટી.આઈ. પાસે પોલીસ દ્વારા  દબાણ  તોડી નાળાં સાફ કરાતાં ખેતરમાં પાણી  વહ્યું હતુંજેના કારણે એક રસ્તો ચાલુ રહ્યો હતો. - રાપર શહેર પાણીપાણી : કાલે રાત્રે સાંબેલાધાર તૂટી પડેલા વરસાદનું જોર આજે બપોરનાં બે વાગ્યા સુધી એવું જ રહેતા રાપરની બજારોમાં નદીની જેમ જોશભેર પાણી વહ્યાં હતાં. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા સ્ટેન્ડબાય રખાયેલી  ટીમ દ્વારા જ્યાં પાણી ભરાયાં હતાં, ત્યાં જેસીબી દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગાસર તળાવ ઓવરફ્લો થતાં તેનાં ઓગનનું પાણી અયોધ્યાપુરીનાં ઠાકોર સમાજવાડીની બાજુમાંથી અને તિરુપતિનગર વિસ્તારમાંથી ધસમસતું પસાર થતાં આ રસ્તાઓ આવાગમન માટે જોખમી બન્યાં હતાં. શહેરમાં આડેધડ થયેલાં દબાણોના કારણે  અનેક રહેણાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં ઘણી જગ્યાએ રોડના ઠેકેદારો અને ઈજનેરોની બેદરકારી ઊડીને આંખે વળગતી હતી. સવારથી જ વરસાદી માહોલ હોતાં અને લગભગ ગ્રામીણ વાહનવ્યવહાર બંધ હોવાથી વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વરસાદને માણવાનું મુનાસીબ માન્યું હોય તેમ બંધ બજાર જોતાં અને લોકોની ભીડ જળાશયો પાસે હોતાં લાગી રહ્યું હતું. રાપરના અન્ય નાની સિંચાઈનાં બે ડેમ ખાંડોળો અને કલારો પણ ઓવરફ્લો થયા હોવાનું નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કરે જણાવ્યું હતું. ગતરાત્રિના 12 વાગ્યાથી આજે બપોરના બે વાગ્યા સુધીમાં વધુ આઠ ઈંચ (195 મિ.મી.) વરસાદ કંટ્રોલ રૂમમાં નોંધાયો હોવાનું મામલતદાર એચ.બી. વાઘેલા અને નાયબ મામલતદાર બી.ડી. કોરાટની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું હતું. જિયો કંપનીનું નેટવર્ક ખોરવાતાં ઘણાખરા મોબાઈલ મૂંગા થઈ ગયા હતા, તો રસ્તા બંધ હોવાથી લોકો અખબાર વિનાનાં રહ્યા હતા. - પલાંસવા વિસ્તારના ગામો તરબતર : તાલુકાના પલાંસવા ગામના વિસ્તારો ભારે વરસાદથી તરબતર થઈ ગયા હતા, તળાવ  ઉપરાંત ખેતી આધારિત જૂના મહાદેવ ડેમ, મોવારિયા આડબંધ, મુંજાસર તળાવ, પાબુકરી બંધારોઓગનવાની તૈયારીમાં છે. માનગઢ પાસે આવેલી નદી બે કાંઢે વહેતા ઢુવા, ટીંબા, વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. સરાળ વિસ્તાર ઓવરફ્લો થવાની તૈયારીમાં હોતાં શિયાળુ મોસમનો મબલખ પાક થશે. નેશાનલ હાઈવેની બેદરકારીથી ચિત્રોડ ગાગોદર, કાનમેર, માનગઢપલાંસવામાં ચાલતા પુલના કામના કારણે  ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાનું પ્રતિનિધિ પરેશ દવેએ  જણાવ્યું હતું. - સુવઈ  અને રવ ગામ વિખૂટા : રાપર, તા. 8 :  ભારે વરસાદના પગલે સુવઈ ડેમ અને રવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં  આ બંને ગામ તાલુકા મથકથી સંપર્કવિહોણા બન્યા  હતા. સુવઈ ડેમની જળસપાટી વધ્યા બાદ તૂટેલા પુલ ઉપરથી પાણી ફરી વળ્યું હતું. આ ઉપરાંત ખેંગારપર, વણોઈ માર્ગ ઉપરથી પણ  પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે, જેના  કારણે સુવઈથી રાપર આવવા-જવાના રસ્તા બંધ થયા હતા. આ ઉપરાંત રવ ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું હતું. તળાવ  તૂટે તો નુકસાની હોવાની ભીતિ હોવાથી રસ્તો તોડીને પાણીનો રસ્તો કરાયો હતો. રવેચી નદીમાં એક વ્યક્તિ તણાઈ હતી. જો કેઝાડની ડાળીઓ પકડી લીધી હતી.  ચોમેર પાણીનાં કારણે ગામમાં આવવા-જવાનો રસ્તો પણ અવરોધાયો હતો. - સુવઈ ગવરીપર વચ્ચેના પુલે ધ્વસ્ત થઈ લીધી જળસમાધી : રાપર, તા. 8 : ભારે વરસાદના કારણે સુવઈ ડેમ ઓવર ફલો થઈ ગયા બાદ ઓગન ઉપર ભયજનક રીતે પાણી  વહી  રહ્યું હતું. પાણીનો આ ધસમસતા પ્રવાહમાં ગત વર્ષે જ બનેલા પુલનો એક ભાગ તુટી ગયો હતો.સદનસીબે પુલ ઉપરકોઈ અવરજવર ન હોવાથી  જાનહાની થઈ ન હતી.  પુલનો એક ભાગ તુટી ગયા બાદ સુવઈ ડેમમાં   પાણીની સપાટી વધી  ગઈ હતી  જેના કારણે  પુલ ઉપરથી પાણી પુરજોશમાં વહી રહ્યું હતુ અને આખા પુલની જળસમાધી બની ગઈ હતી. તાજેતરમાં  ગંભીરા પુલની દુર્ઘટના બાદ  દેશલપર બાલાસર વચ્ચેના પુલને તંત્ર દ્વારા બંધ કરી દેવાયો હતો. આ પુલ ઉપર પણ  ભયજનક રીતે વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે. ગત વર્ષે જ 50 લાખના ખર્ચે બનેલો પુલ માત્ર  એક જ વર્ષમાં  ધ્વસ્ત થઈ જતા આશ્ચર્ય થયું છે. આ મામલે  સઘન તપાસ કરવામાં આવે તેવી  માંગ જાગૃત નાગરીકોમાં પ્રબળ બની છે. - સુવઈ  અને ફતેહગઢ ડેમના ઓગન ઉપર ત્રણ ફુટ પાણી વહ્યું : રાપર, તા. 8 : ભારે  વરસાદના પગલે એક જાટકે  તાલુકાના તમામ જળાસયો ઓવરફલો થઈ ગયા હતા જેમાં  સુવઈ અને ફતેહગઢ  ડેમ પણ ગત મોડી રાત્રીના જ ઓગની ગયા હતા.બન્ને ડેમ  ઓગની ગયા બાદ પણ સતત ચાલુ રહેલા  વરસાદના કારણે બન્ને ડેમમાં પાણીનું સ્તર જોખમી રીતે વધ્યું હતું. સેવઈ ડેમનું ઓગન  પહેલા અઢી ફુટે અને બાદમાં ત્રણ ફુટે વહ્યું હતું.  તેમજ ફતેહગઢ ડેમ નું ઓગન  ઉપર પણ ત્રણ ફુટે પાણી વહ્યું હતુ.  જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતાં.   ડેમના પાણી ફરી વળતા ફતેહગઢ  રાપર માર્ગ અવરોધાયો હતો. પસાર થતા નાના વાહનો રાપર જઈ શકયા ન હતાં.  મોરબી હોનારત સમયે  સુવઈ ડેમ ચાર ફુટે વહ્યો હતો. ત્યાર બાદ  આજે આવી પરિસ્થિતિ સર્જાઈ  હોવાનું જાણકારોઅ જણાવ્યું  હતું. - આડેસરમાં 22  વર્ષનો વરસાદનો રેકોર્ડ તુટયો  : રાપર, તા. 8 :  આડેસર અને આસપાસના વિસ્તારમાં વરસાદે  22 વર્ષનનો રેકોર્ડ તોડયો છે. ત્રણ દિવસ સતત વરસાદ વરસ્યા બાદ ગત રાત્રીના  પડેલા  ભારે વરસાદથી ગામના નિંચાણ વાળા  વિસ્તારોમાં  પણી ભરાયા છે. ગામમાં જયાં નજર કરો ત્યાં પાણી પાણી જ દેખાય છે. રેલવે કોલોની સહીતના વિસ્તારના  લોકોના ઘરમાં કેડ સમા પાણી ભરાતા  લોકો ગત રાત્રીથી જ ઘરની બહાર નીકળી સલામત સ્થળે આસરો લીધો  છે.  નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી  ભરાવાના  કારણે  વિજપુરવઠો પણ બંધ કરવામાં આવ્યો  છે. ગામના તળાવો ઓવરફલો થયા હોવાનું અમારા પ્રતિનિધિ ખેંગાર પરમારે જણાવ્યું હતું. 

Panchang

dd