ગાંધીધામ, તા. 7 : શહેરના અપનાનગર વિસ્તારમાં
રહેનાર યોગેશ શિશરામકુમાર જાગડિયા (ઉ.વ. 22)એ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ
ભચાઉ પાસે આવેલી હોટેલમાંથી મોરબીના કિશોરસિંહ મનુભા સોઢા (ઉ.વ. 37)ની કોહવાયેલી લાશ મળી આવી હતી.
શહેરના અપનાનગર વિસ્તારમાં મકાન નંબર 159માં રહેનાર યોગેશ નામનો યુવાન ગત તા. 5/9ના રાત્રે પોતાના ઘરે હાજર
હતો, દરમ્યાન અગમ્ય કારણોસર તેણે પંખામાં વાયર બાંધી
ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. આ યુવાને કેવા કારણે અંતીમ પગલું ભર્યું હશે તે
માટે પોલીસે નોંધ કરી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ
ભચાઉમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં આવેલી ઓનેસ્ટ હોટેલની સામે આશાપુરા હોટેલમાં
આ બનાવ બન્યો હતો. મોરબીથી અહીં આવેલા કિશોરસિંહ સોઢા તા. 4/9ના આ હોટેલમાં રૂમ રાખી તેમાં
રોકાયા હતા. બાદમાં બહાર ન આવતા હોટેલના સંચાલકોને અજુગતું લાગ્યું હતું. દરવાજો ખખડાવ્યા
છતાં ન ખોલતા માસ્ટરચાવીથી રૂમ ખોલી અંદર જોવાતા આ યુવાનની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ
મળી આવી હતી. આ યુવાને ઝેરી દવાપી લઈને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન
બહાર આવ્યું છે, જેની આગળની વધુ છાનબીન
પોલીસે હાથ ધરી છે.