ભુજ, તા. 8 : ગ્રામજનોનો જેના પર મુખ્ય આધાર
હોય છે તેવા તલાટીઓ જ કટોકટી સમયે ગેરહાજર હોવાની સમગ્ર કચ્છમાંથી લોક ફરિયાદો ઉઠી
છે. હાલમાં તંત્રનું એલર્ટ હોવા છતાં જિલ્લાના માંડવી, અબડાસા, નખત્રાણા,
લખપત સહિતના તાલુકાઓમાં તલાટીની ગેરહાજરીથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ
હતી. નિરોણા (પાવરપટ્ટી) જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર ભારે સતર્ક
બન્યું છે. જાન-હાની કે અન્ય નુકસાની અટકાવવા અનેક આગોતરા આયોજન થયો છે. શાળાઓ બંધ
રાખવામાં આવી છે. ગામોની ગ્રા.પં.માં ફરજ બજાવતાં તલાટી-મંત્રીઓને પોતાના ફરજ સ્થળ
પર હાજર રહેવા ખાસ પરિપત્રો સાથે હુકમો કરાયા છે ત્યારે પાવરપટ્ટીમાં સમાવિષ્ટ 11 જેટી ગ્રા.પં. કચેરીઓમાં આજે
આ બાબત જાણકારી મેળવતાં માત્ર ચાર જ પંચાયતોમાં તલાટીઓ ફરજ પર હાજર હોવાનું જાણવા મળ્યું
હતું. જ્યારે બાકીની ગ્રા.પં. તલાટી-મંત્રી વગર તાબાના તાલે રહી હતી. આ વિસ્તારના પૂર્વે
સુમરાસર-શેખ, ઝુરા અને બિબ્બર,
ઝુરા-કેમ્પ ગામની પંચાયતના તલાટીઓ ગામમાં હાજર રહ્યા હોવાનું આ ગામ લોકો
દ્વારા જાણવા મળ્યું હતું. જ્યારે પશ્ચિમે વંગ, ડાડોર,
ખારડીયા, હીરાપર, નિરોણા,
પૂર્વે પાલનપુર-બાડી, લોરિયા સહિતની પંચાયતોમાં
તલાટીઓની ગેરહાજરીને લઈ આજે દિવસ દરમ્યાન આ કચેરી અલીગઢના તાળામાં બંધ રહી હતી. વિસ્તારમાંથી
જાણવા મળેલ માહિતી મુજબ નખત્રાણા તાલુકાના વંગ, ડાડોર અને ખારડીયા
ગ્રા.પં.નો હવાલો એક જ તલાટી પારો હોવા છતાં આજે આ ત્રણે ગામો પૈકી એક પણ ગામની પંચાયતમાં
તલાટી ડોકાયા ન હતા. વિસ્તારના મુખ્ય મથક ગણાતાં નિરોણામાં તો તલાટીની અવાર-નવાર ગેરહાજરીને
લઈ પંચાયતના કેટલાક સભ્યો પણ ભારે નારાજ છે. ગ્રા.પં.ની મિટિંગોમાં પણ તલાટીને આ બાબતે
તાકીદ કરાઈ હોવા છતાં આજે ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતના દરવાજા બંધ જોવા
મળ્યા હતા.