• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

ભારે વરસાદે કચ્છના જળસંગ્રહનાં ચિત્રને ઉજળું બનાવ્યું

ભુજ, તા. 8 : કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જળસંગ્રહનાં ચિત્રને ઉજળું બનાવ્યું છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈના 9 ડેમ ઓવરફલો થયા છે તો નાની સિંચાઈના 93 ડેમ પૂર્ણ ભરાતાં તમામ જળાશયોમાં નવાં પાણી હિલોળા લેતાં જોવા મળ્યાં હતાં. સતાવાર રીતે મળેલી વિગત અનુસાર મધ્યમ સિંચાઈના ડેમોમાં 67 ટકા જેટલો વ્યાપક જળસંગ્રહ થયો છે. જિલ્લામાં  ફતેહગઢ, સુવઈ, કાયલા, કારાઘોઘા, કનકાવટી, મીઠી, બેરાચિયા, ડોણ, મથલ, નિરોણા, ગજણસર મળી 11 ડેમ ઓવરફલો થયા છે. ટપ્પર ડેમમાં પણ 94 ટકા જેટલી જળરાશિ ઠલવાતાં તકેદારીના ભાગરૂપે ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે.  ભુજ તાલુકાના 35 પૈકી 18 ડેમ પૂર્ણ ભરાયા છે. જ્યારે અંજારમાં એક, માંડવીમાં 12, મુંદરામાં પ, નખત્રાણામાં 13, લખપતમાં 6, અબડાસામાં 13 ડેમ પૂર્ણ ભરાઈ ચૂકયા છે. રાપર અને ભચાઉ તાલુકામાં અત્યાર સુધી નાની સિંચાઈનો એક પણ ડેમ ઓવરફલો થયો નહોતો, પણ ત્રણ દિવસની મેઘમહેરમાં રાપરના 11 અને ભચાઉના 13 ડેમ પૂર્ણ ભરાઈ ચૂકયા છે. નાની સિંચાઈ પંચાયતમાંથી મળેલી વિગત અનુસાર પૂર્ણ ભરાયેલા 93 પૈકી 77 ડેમ ઓવરફલો થયા છે. માત્ર 16 ડેમ એવા છે કે જેનું જળસ્તર સીલ લેવલથી નીચે છે.  

Panchang

dd