ન્યૂયોર્ક, તા. 8 : સ્પેનના યુવા સિંગલ્સ ટેનિસ
સ્ટાર કાર્લોસ અલ્કરાજે યુએસ ઓપન ફાઇનલમાં ઇટાલીના યાનિક સિનરને હાર આપીને વર્ષનો અંતિમ
ગ્રાંડ સ્લેમ ખિતાબ જીતવાનકી સાથે સિનર પાસેથી વિશ્વના ટોચના ખેલાડીનો તાજ પણ છીનવી
લીધો હતો. ફાઇનલમાં સિનરને 6-2, 3-6, 6-1 અને 6-4થી હાર આપીને
કેરિયરનો છઠ્ઠો ગ્રાંડસ્લેમ ખિતાબ કબજે કર્યો હતો. આ શાનદાર વિજય સાથે તે એટીપી રેન્કિંગમાં
નંબર વન ખેલાડી બની ગયો છે. અલ્કરાજે આ બીજો યુએસ ઓપન ખિતાબ છે. આ જીત સાથે અલ્કારાજે
વિમ્બલ્ડન ફાઇનલની હારનો સિનર સામેનો હિસાબ ચૂકતે કર્યો હતો. 22 વર્ષીય અલ્કરાજ સપ્ટેમ્બર-2023 પછી પહેલીવાર દુનિયાનો નંબર
વન ટેનિસ ખેલાડી બન્યો છે. બીજી તરફ યાનિક સિનરની ફાઇનલની હારથી હાર્ડકોર્ટ ગ્રાંડસ્લેમમાં
27 મેચની જીતનો ક્રમ પણ તૂટયો
છે. જૂનમાં અલ્કારજે ફ્રેંચ ઓપન ફાઇનલમાં સિનરને
હાર આપી હતી. જયારે જુલાઇમાં વિમ્બલ્ડન ફાઇનલમાં હારી ગયો હતો. ફાઇનલમાં અલ્કારાજનું વર્ચસ્વ રહ્યું હતું. તેની
બેઝ લાઈન પર રમત શાનદાર રહી હતી અને પાવરફુલ બેકહેન્ડ શોટ સાથે બાજી મારી ગયો હતો.
બીજી તરફ સિનરે ઘણા અનફોર્સ એરર કરી અલ્કરાજને હાવી થવાનો મોકો આપ્યો હતો. અલ્કરાજ ટેનિસ ઇતિહાસનો ફક્ત ચોથો એવો ખેલાડી બન્યો
છે જેણે હાર્ડ કોર્ટ, ગ્રાસ કોર્ટ અને કલે કોર્ટ પર મોટા
ખિતાબ જીત્યા હોય.