• મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025

ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર

દુબઇ, તા. 8 : એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટનો મંગળવારથી પ્રારંભ થશે. પાકિસ્તાન અને શ્રીલંકાની હાજરીમાં ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે. ટૂર્નામેન્ટની શરૂઆત મંગળવારે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે અબુધાબી ખાતે રમાશે. જો કે તમામની નજર દુબઇ પર હશે. જયાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની સિતારા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ બુધવારે તેની પહેલી મેચમાં સંયુકત આરબ અમિરાત પર મોટી જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે. આવતા વર્ષે રમાનારા ટી-20 વિશ્વ કપ અગાઉ એશિયાની ટીમો પાસે તેમની શકિત અને ક્ષમતા પારખવાની આ ટૂર્નામેન્ટમાં સારી તક બની રહેશે. આ વખતે એશિયા કપની તમામ મેચ દુબઇ અને અબુધાબી ખાતે રમાશે. ફકત એક દિવસ 1પમીએ ડબલ હેડર છે. બાકી દરરોજ એક મેચ રમાશે અને તે ભારતીય સમય અનુસાર રાત્રીના 8-00 વાગ્યાથી શરૂ થશે.  એશિયા કપમાં પરંપરાગત હરીફ જો ફાઇનલમાં પહોંચશે તો બન્ને દેશ વચ્ચે પ્રશંસકોને ત્રણ ટી-20 ટક્કર જોવા મળશે. ગ્રુપ સ્ટેજનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો તા. 14મીએ દુબઇમાં રમાશે.  ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે દુબઇમાં ખેલાશે. ભારતીય ટીમ ગ્રુપ એમાં પાકિસ્તાન, ઓમાન અને યૂએઇ સાથે છે. એ ગ્રુપમાંથી ભારત અને પાકિસ્તાનનું સુપર ફોર રાઉન્ડમાં પહોંચવું નિશ્ચિત મનાય છે. ગ્રુપ બીમાં રસાકસી જોવા મળી શકે છે. કારણ કે આ ગ્રુપમાં ત્રણ ટીમ શ્રીલંકા, બાંગલાદેશ અને અફઘાનિસ્તાન સુપર ફોર રાઉન્ડમાં પહોંચવાની દાવેદાર છે. બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં હાલના વર્ષોમાં શ્રીલંકા અને બાંગલાદેશ કરતા અફઘાનિસ્તાનનો વિક્રમ સારો રહ્યો છે. અફઘાન ટીમમાં ટી-20 ફોર્મેટના સારા અને અનુભવી ખેલાડીઓનો કાફલો છે. ગ્રુપ બીની ચોથી ટીમ હોંગકોંગ છે. તેને એશિયા કપમાં પ્રથમ જીતની શોધ છે.  સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમ સૌથી મજબૂત ટીમ છે. શુભમન ગિલની ટી-20 ટીમમાં વાપસી થઇ છે. ઘાતક હથિયાર બુમરાહ અને અર્શદીપ કોઇ પણ ટીમને ભારે પડી શકે છે. બેટિંગ મોરચે ભારત પાસે અભિષેક શર્મા, સંજૂ સેમસન, તિલક વર્મા, કપ્તાન સૂર્યકુમાર, રિંકુ સિંહ, ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, વિકેટકીપર જિતેશ શર્મા, ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને મીડીયમ પેસર હર્ષિત રાણા જેવા સારા ખેલાડીઓ છે. ટી-20 વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમ પાસે નવમી વખત એશિયા કપ કબજે કરવાનો સારો મોકો છે. 

Panchang

dd