રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 8 : સમગ્ર કચ્છમાં મેઘમહેર યથાવત્
છે ત્યારે અંજાર અને આસપાસના વિસ્તારોમાં આજે
(75 મિ.મી.) ત્રણ ઇંચ જેટલો સતત
વરસાદ વરસ્યો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ
(599 મિ.મી.) 24 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે શહેરના જુદા-જુદા
વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો
થતાં નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો
આવ્યો હતો. ગઈકાલથી આજ સાંજ સુધી પડેલા અવિરત
વરસાદને લઈને શહેરનું ઐતિહાસિક સવાસર તળાવ ઓગન્યું હતું. આવતીકાલે સવારે 10 વાગ્યે અંજાર નગરપાલિકા પ્રમુખ
દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં તળાવને વધાવવામાં
આવશે. - જળબંબાકારથી લોકોને હાલાકી
: અનાધાર વરસાદના કારણે અંજાર શહેરના અનેક
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ખાસ કરીને હાઉસિંગ બોર્ડ, એકતા નગર, મઢી વિસ્તાર
અને અંજાર-ભુજ માર્ગ પાસે આવેલા દાતણિયાવાસ, વીર ભગતાસિંહ નગર,
પ્રજાપતિ છાત્રાલય જેવા વિસ્તારોમાં ઘરો, શેરીઓમાં
વ્યાપક પાણી ઘૂસી ગયાં હતાં. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી,
જ્યાં અંજાર સુધરાઈના પદાધિકારીઓ
અને સ્ટાફ કર્મચારીઓ લોકોની મદદે જેસીબી-ટેક્ઑટર સાધનો સાથે સતત ખડેપગે રહ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તામાં પડેલ ખાડાઓને કારણે અનેક વાહનો રસ્તા પર
બંધ પડયાં હતાં. અંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર મોટા-મોટા ઊંડા ખાડા પડયા હોવાનાં કારણે
અનેક વાહનચાલકો ફસાયા હતા. આ માર્ગ ઉપર કોઈ મોટો ગંભીર બનાવ ન બને તે માટે
સ્થાનિક પોલીસતંત્ર એકશનમાં જોવા મળ્યું
હતું. ગ્રામ્ય વિસ્તારમાં પણ જુદા-જુદા વિસ્તારમાં
પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.
- જથ્થાબંધ શાકભાજી માર્કેટ પાણીમાં
: શહેરની મુખ્ય જથ્થાબંધ શાકભાજી માર્કેટ
પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. માર્કેટમાં ઘૂંટણસમા પાણી
ભરાઈ જતાં વેપારીઓને ભારે નુકસાન થયું હતું. ખરીદી માટે આવેલા લોકો પણ મુશ્કેલીમાં
મુકાયા હતા. શાકભાજીના પાકને પણ આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. - મુખ્ય બજારો રહી સ્વયંભૂ બંધ
: છેલ્લા બે દિવસ મેઘરાજાની સતત હાજરીથી શહેરની
મુખ્ય બજારની મોટાભાગે જીવનજરૂરી ચીજવસ્તુ, કરિયાણા અને મેડિકલ સિવાયની મોટાભાગની દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી. - અસરગ્રસ્તો માટે વ્યવસ્થા : પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે અંજાર સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. શહેરની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે અસરગ્રસ્તો
માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંજાર રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજનો સહયોગ સાંપડ્યો હતો.
અંજાર તાલુકાના સતાપરનો નાની સિંચાઈ ડેમ પણ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ
હતી તેવું કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટ એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઈ માતાએ
જણાવ્યું હતું. પાણી ભરાવાનાં કારણે મીંદિયાળા-ખેડોઈ માર્ગ ઉપર વાહનવ્યવહારને અસર પડી
હતી તેમજ વરસામેડીમાં રબારીવાસમાં પાણી ભરાયાંની ફરિયાદ આવી હતી તેમજ અંજાર સ્ટેડિયમ
પાસે આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં પાણીનો ભરાવો થતા તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા
કરાઈ હતી. દરમ્યાન વરસામેડી
ખારા પસવારિયા રોડ ઉપર પંપહાઉસ પાસે પાપડીમાં વધુ પાણી હોવાથી વાહનવ્યહાર ખોરવાયો હતો, આ ઉપરાતં મીઠીરોહર મોડવદર રોડ પણ અવરોધાયો હતો