અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે જ વિરોધપક્ષ
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગૃહ બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે મંત્રી
બચુ ખાબડને લઇને તો પહેલીવાર ગૃહમાં પહોંચેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગુજરાતના
બિસ્માર રસ્તાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કેબિનેટ
મંત્રી બચુ ખાબડની ગેરહાજરીને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસ પક્ષના નેતા
તુષાર ચૌધરી અને ધારાસભ્યોએ ખાબડના મુદ્દે વિરોધ કર્યો હતો તેમને રાજીનામાની માંગ કરી
હતી. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.જો કે, પહેલા દિવસે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત
કરી હતી, પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ જોતાં કાર્યક્રમ રદ કરી
કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર હાથમાં પોસ્ટરો રાખીને ભ્રષ્ટાચાર સહિત વિવિધ
મુદ્દાઓને લઈને દેખાવો કર્યો હતો. મનરેગામાં
ભ્રષ્ટાચાર મુદ્દે બચુ ખાબડની ધરપકડની માગ સહિતના મુદ્દે કોંગ્રેસ સભ્યોએ સૂત્રોચ્ચાર
કર્યો હતો. તો બીજી તરફ, પહેલીવાર ગૃહમાં પહોંચેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિતના ધારાસભ્ય હેમંત
ખવા અને ધારાસભ્ય સુધીર વાઘાણીએ ગુજરાતના બિસ્માર રસ્તાને લઈને વિધાનસભાની બહાર પોસ્ટર
દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઇટાલિયાએ જણાવ્યું
હતું કે, હું અહીંયા કોઈ વિરોધ કરવા પહોંચ્યો નથી. માત્ર જનતાના
પ્રશ્નો રજુ કરવા પહોંચ્યા છું. ગુજરાતમાં અત્યારે રોડ રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે.
જેના પગલે અમે અહીં આ પ્રશ્નો સાથે પહોંચ્યા છીએ. ગુજરાતના રસ્તાઓ ખાડાવાળા,
લોકો અને વાહનોને ભારે નુકસાન થયું છે. વિકાસની વાતો કરનારા લોકોને રોડના
ખાડા દેખાય તે જરૂરી છે. લોકો રસ્તાઓની હાલતથી દુ:ખી અને થાકી ગયા છે. મારા કાર્યકાળના
પહેલા દિવસે જ જનતા મુદ્દો લઈને આવ્યો છું.