ભુજ, તા. 8 : બંગાળની ખાડીમાં સર્જાયેલા
ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસયો છે. જિલ્લા મથક ભુજ અને
તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ અવિરત વરસેલા વરસાદનાં પગલે જળભરાવની સ્થિતિ સર્જાઈ
હતી. જો કે, સમસ્યાઓને અવગણીને ભુજવાસીઓએ
ભાદરવી મેઘોત્સવ મનભરીને માણ્યો હતો. જિલ્લા મથકે રવિવારની બપોરથી શરૂ થયેલો વરસાદ
સામાન્ય વિરામને બાદ કરતાં સતત જારી રહેતાં 24 કલાકમાં ભુજમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કચ્છમિત્રની ટીમે ભારે વરસાદ બાદ શહેરની સ્થિતિનો
જાતચિતાર મેળવવા વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી,
જેમાં જળભરાવ સહિતની સમસ્યાને અવગણી મેઘોત્સવ માણતા જોવા મળ્યા હતા.
- નીચાણવાળા
વિસ્તારમાં પાણી ભરાયાં : એસ.ટી. બસ
સ્ટેશન રોડ, જ્યુબિલી સર્કલ,
વોકળા ફળિયું, અનમ રિંગરોડ, કોલેજ રોડ, એરપોર્ટ રિંગરોડ, મોટાપીર
રિંગરોડ સહિતના વિસ્તારોમાં ભારે મેઘમહેરથી
ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં. સ્ટોર્મ વોટર પાછળ મોટી રકમ ખર્ચવા છતાં પાણી ભરાવાની સમસ્યા
યથાવત્ રહ્યાનો બળાપો વેપારીઓએ ઠાલવ્યો હતો. આશાપુરાનગર, સંજોગનગર,
વાવ ફળિયું, સમા ફળિયું સહિતના નીચાણવાળા ભાગોમાં
ઘરોમાં પાણી ભરાયાં હતાં. પવનનાં કારણે ક્યાંક દુકાનના હોર્ડિંગ્સ તૂટી પડવા,
ઝાડની ડાળી તૂટવા સહિતના બનાવ બન્યા હતા. - હમીરસર કિનારે મેળા જેવો માહોલ
: શહેરના શણગાર સમાન હમીરસર તળાવ ઓગની જતાં
હમીરસર કિનારે મેળા જેવો માહોલ સર્જાયો હતો. મોટાબંધ તેમજ ઓગન પાસે પણ હોંશીલા ભુજવાસીઓ
પહોંચ્યા હતા. તળાવ ઓગન્યું કે નહીં તેની કાગડોળે જોવાતી વાટ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના
ન ઘટે એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ મકાઈ ખાવાની મોજ માણી હતી.
સવારના સમયે દુકાનો બંધ રહેતાં માર્ગ પર પાંખી ચહલપહલ જોવા મળી હતી. - ક્યાંક પાલરની સાથે ગટરનાં
પાણી વહ્યાં : વરસાદી પાણીના
નિકાલ માટે ગટરની ચેમ્બર ખોલવામાં આવતાં અનેક સ્થળે ગરટલાઈન ચોકઅપ થઈ હતી, જેનાં કારણે વરસાદી પાણીની સાથે ગટરનાં પાણી
જોશભેર વહ્યાં હતાં. મંગલમ્ ચાર રસ્તા પાસે ગટર ઊભરાતાં પાણીનો ધોધ વછૂટયો હતો. - માધાપરમાં પાણી ભરાયાં : શહેરનાં પરાં સમાન માધાપરમાં ધોધમાર વરસાદથી
પાણી ભરાયાં હતાં. મહેશ સોનીના એહવાલ અનુસાર કાળીમોરી તળાવ બીજીવાર ઓગન્યું હતું. ગંગેશ્વર
તળાવ પૂજારી અનિલગિરિએ વધાવ્યું હતું. પાટ નદીમાં પાણી જોશભેર વહ્યું હતું. રોકડિયા
હનુમાન, એમએસવી હાઈસ્કૂલ પાસે પાણીનો ધસારો જોવા મળ્યો
હતો. - નગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં
: વરસાદનાં પગલે સંભવિત ઘટનાને ટાળવા નગરપાલિકા
તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સમીક્ષા બેઠક યોજવામાં ખાવી હતી, જેમાં કર્મચારીઓને વિવિધ ફરજની સોંપણી કરવામાં
આવી હતી. પાણી નિકાલ માટે મશીનરી ફાળવવા સાથે આપાત્કાલીન સ્થિતિને પહોંચી વળવા કન્ટ્રોલ
રૂમ કાર્યરત કરાયો હતો, જો લોકોને સ્થળાંતર કરવાનું થાય તો સ્કૂલો,
સમાજવાડીઓને અનામત રાખવામાં આવી હતી. - પાલારાનાં તળાવ ત્રીજીવાર ઓગન્યાં : પાલરા સીમનાં ચાર તળાવ ત્રીજી વખત ઓગન્યાં
હતાં. રામેશ્વર, સનદાદા સહિતનાં તળાવ ઓગની
ગયાનું પાલારા વિકાસ સમિતિના વસંત અજાણીએ કહ્યું હતું. આવી મેઘમહેર ચાલુ રહી તો રુદ્રમાતા
ડેમ ઓગની જવાની શક્યતા સરંપચ લાલા બતાએ વ્યકત કરી હતી. એરંડાનો પાક નિષ્ફળ જવાની વાત
માવજી ગાગલે કરી હતી. - મોસમનો કુલ 615.7 મિ.મી. વરસાદ નોંધાયો : ભુજ, તા. 8 : કચ્છમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે 12 કલાક સુધી 54.6 મીમી સહિત કચ્છમાં અત્યાર સુધી
મોસમનો સરેરાશ 615.7 મીમી વરસાદ નોંધાયો છે. કચ્છ
જિલ્લાના તાલુકા પ્રમાણે વરસાદના આંકડા જોઇએ, તો લખપત તાલુકામાં કુલ 480 મીમી, રાપર
તાલુકામાં કુલ 873 મીમી, ભચાઉ તાલુકામાં તા કુલ 644 મીમી, અંજાર કુલ 575 મી, ભુજ તાલુકામાં કુલ 613 મીમી, નખત્રાણા તાલુકામાં કુલ 659, અબડાસા તાલુકામાં કુલ 394 મીમી, માંડવી
તાલુકામાં કુલ 585 મીમી, મુંદરા તાલુકામાં 610, ગાંધીધામ તાલુકામાં કુલ 725 મીમી, આમ, કચ્છમાં તા. 7/9ના કુલ 81.8 મીમી તથા તા. 8/9ના સવારે 12 કલાક સુધીમાં 54.6 મીમી વરસાદ નોંધાયો છે. આમ
કચ્છમાં કુલ મોસમનો 615.7 મીમી વરસાદ
નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે
2024માં 915.1 મીમી વરસાદ કચ્છ જિલ્લામાં
નોંધાયો હતો. અત્યાર સુધી માનવ મૃત્યુ, મકાન નુકસાન, રેસ્ક્યૂ તથા પશુ મૃત્યુ નોંધાયાં નથી.