• રવિવાર, 16 જૂન, 2024

ગંભીર હેવાલ : કચ્છમાં 14 હજારથી વધુ કુપોષિત બાળક

હેમંત ચાવડા દ્વારા

ભુજ, તા. 20 : બાળકો કુપોષિત ન રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સગર્ભા, કિશોરીઓ અને આંગણવાડીનાં નાનાં બાળકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, તેમ છતાં જિલ્લામાં હાલ 3400 જેટલાં અતિ કુપોષિત અને 10 હજાર જેટલાં મધ્યમ કુપોષિત બાળકો જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખામાં નોંધાયેલાં છે. જો કે, બિનસત્તાવાર આંક તો 20 હજારથીયે વધુ હોવાનો આક્ષેપ જાણકારો જણાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છની 2100થી વધુ આંગણવાડીમાં 0થી 6 વર્ષ સુધીનાં કુલ એક લાખથી વધુ બાળક નોંધાયેલાં છે, જે પૈકી 1171 મધ્યમ અને 425 અતિ કુપોષિત બાળક છે, જ્યારે 3થી 6 વર્ષનાં 59,933 બાળકમાંથી 1056 મધ્યમ અને 275 અતિ કુપોષિત બાળકો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાળકો કુપોષિત રહેવા પાછળ મુખ્ય કારણ માતાનાં દૂધ ઉપરાંત ઉપરી આહાર ન મળવાથી બાળક કુપોષિત રહે છે, તેથી માતાએ સમયસર ઉપરી આહાર શરૂ કરવો જોઈએ. ઉપરાંત નાનાં બાળકોની નાની-મોટી બીમારી વખતે ચેપ લાગે છે, ત્યારબાદ તેની યોગ્ય માવજત કે સારવાર કે દવા લેવામાં ન આવતાં આ બાળક કુપોષણનો ભોગ બને છે અને તેની વૃદ્ધિ અટકે છે, તેથી ઠીંગણાપણું, પાતળાપણું કે ઉંમર કરતાં ઓછાં વજન થકી બાળક કુપોષિતતાનો શિકાર બને છે. આ કામગીરી આંગણવાડીની વર્કર બહેનોએ કરવાની હોય છે, પરંતુ કેટલીક વર્કર બહેનો આ બાબતની ગંભીરતા સમજતી ન હોવાથી બાળકોમાં કુપોષિતતા રહી જતી હોવાનો સૂર પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. બીજીતરફ વર્તમાન સમયમાં બજારમાં મળતાં તૈયાર ફૂડ પેકેટો ખાવાનું પ્રમાણ બાળકોમાં ખૂબ જ વધી રહ્યું છે, તેનાં કારણે બાળકોને આવા ખાદ્યપદાર્થોમાંથી પૂરતું પોષણ ન મળવાથી પણ બાળકોમાં કુપોષિતતા વધે છે અને સરવાળે બાળક નબળું પડે છે, જેથી માતા-પિતાએ બાળકોના ખોરાક પ્રત્યે વિશેષ કાળજી રાખવી જોઈએ. કચ્છમાં ચાલતી આંગણવાડીઓમાં કુલ 1,13,328 બાળક નોંધાયેલાં છે, જેમાં 14 હજાર જેટલાં બાળક કુપોષિત હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જો કે, બિનસત્તાવાર આંક તો 20 હજારથીયે વધુ હોવાનો આક્ષેપ જાણકારો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં કચ્છ આવેલા મૂળ મુંદરા તાલુકાનાં પત્રી ગામના અને હાલ મુંબઈના જાણીતા બાળરોગ નિષ્ણાત જયેશભાઈ કાપડિયાએ કચ્છમિત્ર સાથેની વાતચીતમાં કચ્છમાં કુપોષિત બાળકોનું પ્રમાણ ચિંતાજનક લેખાવી બાળકોની સાથે વાલીઓને પણ સ્વાસ્થ્યલક્ષી શિક્ષણ આપવાની બાબત પર ભાર મૂકયો હતો. આ કુપોષિત બાળકોની જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા મમતા દિવસે તપાસ કરી જરૂરત જણાયે હોસ્પિટલનાં સીએમટીસી  સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે. હવે જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખામાંથી પ્રાપ્ત તાલુકાવાઇઝ આંકડાકીય માહિતી જોઈએ તો હાલ કચ્છમાં 3431 જેટલાં બાળક અતિ કુપોષિત નોંધાયાં છે, જેમાં સૌથી વધુ 693 સાથે ભુજ તાલુકો, રાપરમાં 626, અબડાસા 469, અંજાર 302, ગાંધીધામ 280, માંડવી 268, નખત્રાણા 248, ભચાઉ 218, લખપત 210 અને મુંદરામાં સૌથી ઓછાં 117 બાળકનો સમાવેશ થાય છે. તેવી જ રીતે જિલ્લામાં 10529 બાળક મધ્યમ કુપોષિત છે, જેમાં પણ 2387ના આંકડા સાથે ભુજ તાલુકો મોખરે છે, તો રાપરમાં 1511, અંજાર 1238, અબડાસા 1063, નખત્રાણા 898, ગાંધીધામ 850, માંડવી 831, ભચાઉ 693, લખપત 601 અને મુંદરા એમાંયે 457ના આંક સાથે સૌથી છેલ્લે છે. બીજી તરફ સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓનાં કારણે 11થી 18 વર્ષની માસિકધર્મમાં આવતી કિશોરીઓ પર પૂરતું ધ્યાન અપાતું ન હોવાનું જણાવતાં જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડયાએ કહ્યું કે, ખરેખર તો આવી કિશોરીઓને હેલ્ધી અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, જેથી ભવિષ્યમાં માતા બને ત્યારે બાળક પણ સ્વસ્થ બને અને કુપોષણનો શિકાર ન બને. સરકાર દ્વારા દરેક આંગણવાડીઓ પર કિશોરીઓને પૂર્ણાશક્તિનાં પેકેટ અપાય છે, જેનો પેકેટ પર આપેલી સૂચના મુજબ ઉપયોગ કરાય તો કુપોષણને ટાળી શકાય છે. વળી, કિશોરીઓ આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓનું નિયમિત સેવન કરે તો એનિમિયા પણ નિવારી શકાય છે. આ ઉપરાંત ગરીબી કે અજ્ઞાનતાનાં કારણે વારંવાર માતા બનતી મહિલાઓનાં બાળક પણ કુપોષણનો ભોગ બનવાનું વધુ એક કારણ પણ છે. કેમ કે, વારંવાર બાળકને જન્મ આપવાથી માતાને પણ પૂરતો અને પૌષ્ટિક આહાર તેમજ આરામ ન મળવાથી પોતે પણ શારીરિક રીતે સ્વસ્થ રહી શકતી નથી અને બાળક પણ જન્મની સાથે જ કુપોષણનો ભોગ બને છે. તો છ માસથી ત્રણ વર્ષનાં બાળકોને બાલશક્તિ, સગર્ભા-ધાત્રી માતાઓને માતૃશક્તિનાં પેકેટ વિનામૂલ્યે અપાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang