ભુજ, તા. 12 : માલની નબળી ગુણવત્તા સહિતનાં
અનેકવિધ પરિબળોને કારણે કચ્છના લિગ્નાઈટ પરિવહનની વ્યવસાયની બગડેલી દશા સુધારવા રાજ્ય
ખનિજ વિકાસ નિગમ ગંભીરતા સાથે હરકતમાં આવતાં હજારો પરિવારને રોજગારી આપતા આ વ્યવસાય
માટે નવી આશા જાગી છે. વ્યવસાય સાથે સંકળાયેલા જાગૃત પરિવહનકારો દ્વારા નિગમમાં ઉચ્ચકક્ષાએ
કરાયેલી સબળ અને અસરકારક રજૂઆત બાદ વપરાશકારોને સારી ગુણવત્તા સાથેનો લિગ્નાઈટ પૂરો
પાડવાની નેમ સાથે નિગમે આ અંગેની અમલવારી શરૂ કરી દીધી છે. માલની ગુણવત્તા અને પૂરતો
ધંધો ન મળવાનાં કારણે વ્યવસાય માટે સર્જાયેલી મરણોતલ હાલત બાબતના પ્રગટ થયેલા અહેવાલ
બાદ આ ખનિજ તત્ત્વની હેરફેર સાથે સંલગ્ન જાગૃત પરિવહનકારોનો એક સમૂહ આ બાબતે આગળ આવ્યો
હતો. આ સભ્યો દ્વારા કચ્છમાં કાર્યરત લિગ્નાઈટ ખાણો ખાતે રૂબરૂ જઈને ખનિજ નિગમના ઉચ્ચ
અધિકારીઓ સાથે બેઠક યોજીને વિસ્તૃત રજૂઆતો કરી હતી. નિગમની વડી કચેરી સ્થિત જવાબદારોનું
પણ ધ્યાન દોરીને તેમની પાસે વિગતવારની રજૂઆત કરાયા પછી છેલ્લા ત્રણથી ચાર દિવસથી નિગમ
એક્શન મોડમાં આવી ગયું છે, તો છેલ્લા
એકાદ-બે દિવસમાં માલની ગુણવત્તામાં સારો એવો સુધારો આવ્યો હોવાનું પણ નિગમે સત્તાવાર
રીતે જાહેર કર્યું છે. ખનિજ નિગમના સત્તાધીશો દ્વારા વપરાશકારોને અપાયેલી વિગતો અનુસાર
છેલ્લા કેટલાક દિવસોથી ગુણવત્તામાં સુધારો લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા
છે, જેમાં માતાના મઢ ખાણ ખાતે લોડિંગ મુખ્ય સીમમાંથી કરવામાં
આવી રહ્યું છે. આ પ્રયાસોના કારણે છેલ્લા એકાદ-બે દિનથી માલની સારી ગુણવત્તા મળી રહી છે. આ સ્થળે હાલે તા.
12મી સુધીનું લોડિંગ ચાલી રહ્યું છે, તો સાથેસાથે ભાવનગર બી.એ., બી.બી. ગ્રેડનું લોડિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત મહિનામાં થયેલા ચક્રવાતી
વરસાદના કારણે રસ્તા ધોવાઈ જતાં માલ ભરવાની કાર્યવાહી થઈ શકતી ન હતી જે હાલે પૂર્ણ
ઝડપ સાથે ચાલુ છે અને તા. પાંચમી સુધીનું એડવાન્સ લોડિંગ ઉપલબ્ધ કરાયું છે. નિગમ દ્વારા
વપરાશકારોને સમયસર બુકિંગ કરાવી પરિવહન નિશ્ચિત બનાવવા પણ અનુરોધ કરાયો છે. પરિવહનકાર
સંગઠનના અધ્યક્ષ સતિષભાઈ મીરાણી અને અન્ય જાગૃત પરિવહનકારો દ્વારા માતાના મઢ અને ઉમરસર
ખાણે જઈને તથા અમદાવાદ સ્થિત નિગમની વડી કચેરીના અધિકારીઓ સાથે ચર્ચા-રજૂઆત કરાયા બાદ
નિગમે સારી ગુણવત્તા સાથેનો માલ તાત્કાલિક મળતો થાય તેવા આ પ્રયાસો આરંભ્યા છે,
તો આ બાબતે વપરાશકારોને પણ અવગત કરાયા છે.