• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અંજાર - આદિપુર ચારમાર્ગીય રસ્તામાં વાહનચાલકોની સુરક્ષામાં થશે વધારો

ગાંધીધામ, તા. 12 : રાજ્યના વિવિધ સ્થળે થનાર અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે ગાંધીધામના ટાગોર રોડ અને અંજાર - આદિપુર માર્ગ ઉપર વાહનચાલકોની સુરક્ષામાં વધારો કરવા માટે અંદાજિત 80 લાખના ખર્ચે ડિવાઈડર ઉપર એન્ટિગ્લેર  બોર્ડ મૂકવાના પ્રકલ્પનો આરંભ થયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા  ગાંધીધામ અને આદિપુરને જોડતા  ટાગોર રોડ ઉપર એન્ટિગ્લેર બોર્ડ મૂકવા માટે ગતિવિધિ આંરભાઈ છે, તો બીજી બાજુ અંજાર - આદિપુર  રોડ ઉપર પણ આ જ પ્રકારના સુરક્ષા બોર્ડ મૂકવાના પ્રકલ્પનું આયોજન હાથ ધરાયું છે. માર્ગના ડિવાઈડર ઉપર  એન્ટિગ્લેર બોર્ડ મૂકવાથી   વાહનચાલકોને સામેની બાજુના રોડ ઉપરનાં વાહનોની લાઈટની અસર ઓછી થશે, જેનાથી  બંને બાજુએ રસ્તામાં વાહનચાલકો સ્પષ્ટપણે રસ્તો જોઈ શકશે તેમજ માર્ગ સલામતી અને સુરક્ષામાં વધારો થશે તેવું જાણકારોએ જણાવ્યુ હતું. નોંધપાત્ર છે કે, ટાગોર રોડ ઉપર  અનેક સ્થળે બિનઅધિકૃત રીતે  ડિવાઈડરના કટ આવેલા છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ ઊભી થતી હોય છે. આવા કટને બંધ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.  

Panchang

dd