ભુજ, તા. 12 : અહીંની માતૃછાયા કન્યા વિદ્યાલયની
ધોરણ 11મા અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિયા મેહુલભાઈ
જોશીએ કચ્છ જિલ્લા માટે જૂડો સ્પર્ધામાં છેલ્લા દોઢ વર્ષમાં છઠ્ઠો રાજ્ય સ્તરીય મેડલ
જીતી ખેલકૂદમાં સિદ્ધિ મેળવી છે. ગત તારીખ 16થી 17 ઓક્ટોબર દરમ્યાન
વડોદરા ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ જુનિયર જૂડો ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરતાં
તેણે કચ્છ જિલ્લા માટે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 90 જેટલી સ્પર્ધકે આ સ્પર્ધામાં
ભાગ લીધો હતો. કચ્છમાંથી માત્ર એક જ હિયા જોશીએ પ્રતિનિધિત્વ કર્યું હતું તથા તેની
કેટેગરીમાં રાજ્યસ્તરે સૌથી નાની ઉંમરની ખેલાડી તરીકે આ મેડલ પ્રાપ્ત કર્યું છે. આ અગાઉ હિયાએ કચ્છ જિલ્લા માટે ખેલમહાકુંભમાં મહેસાણા
તથા પોરબંદર ખાતે, સ્ટેટ ચેમ્પિયનશિપમાં
વડોદરા તથા નડિયાદ ખાતે અને જૂનિયર સ્કૂલ ચેમ્પિયનશિપમાં દેવગઢ બારિયા ખાતે ચંદ્રકો
જીતી કચ્છને ગૌરવ અપાવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ બદલ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા,
શાળાના આચાર્યા સુહાસબેન તથા શાળાના સૌ ટ્રસ્ટીએ અભિનંદન આપ્યાં હતાં.