ગાંધીધામ, તા. 12 : ભચાઉના કકરવામાં માર્ગ ઓળંગતા
બાશુબેન જોગા હીરા રબારી નામના આધેડ મહિલાને એક્ટિવાએ હડફેટમાં લેતાં તેમનું મોત થયું
હતું. બીજીબાજુ કબરાઉથી ગુણાતીતપુર રોડ ઉપર બાઇક સ્લીપ થતાં જખરાભાઇ બાબુ ખારા નામના
યુવાને જીવ ખોયો હતો. કકરવામાં કંથડનાથ મંદિર પાસે રોડ ઉપર ગત તા. 9/11ના રાત્રે 10 વાગ્યાના અરસામાં જીવલેણ અકસ્માત
સર્જાયો હતો. અહીં રહેતા બાશુબેન રબારી નામના મહિલા રાત્રે વાળુ-પાણી કરીને દેવાભાઇ
રબારીના ઘરે ગયા હતા, ત્યાંથી આ
મહિલા પોતાના ઘરે આવી રહ્યા હતા, ત્યારે કંથડનાથ મંદિર નજીક માર્ગ
ઓળંગવા જતાં એક્ટિવા નંબર જીજે-39-એચ-4251ના ચાલકે
તેમને હડફેટમાં લેતાં મહિલાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને આદિપુર, ભુજ જી.કે. જનરલ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ
લઇ જવાઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. એક્ટિવાચાલક સામે
ભેગા હીરા રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ કબરાઉથી ગુણાતીતપુર બાજુ જતા
રોડ ઉપર બન્યો હતો. બુઢારમોરામાં રહેનાર જખરા બાબુ ખારા બાઇક નંબર જીજે-12-એબી-1918 લઇને કટારિયા પડલશાપીરની દરગાહે
જઇ રહ્યા હતા. દરમ્યાન, કોઇ કારણે
બાઇક સ્લીપ થતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઇ
જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.