નાના રતડિયા, તા. 12 : અહીં શ્રીમદ
ભાગવત સપ્તાહ મહોત્સવના ચોથા દિને અંતિમ ચરણમાં આશીર્વચનો આપતાં જગદગુરુ શંકરાચાર્યે
ભાવવિભોર હૃદયે શ્રીકૃષ્ણ જન્મોત્સવને મૂલવતાં કહ્યું હતું કે, ભગવાન ગોપાલ રોજેરોજ, હર પળે નંદોત્સવમાં પ્રગટ થતા રહે છે. નીતદિન કથા શ્રવણ કરતાં હૃદયને ભગવાન
શ્રીકૃષ્ણના ચરણોમાં જાતને સમર્પિત કરવાથી જીવન ધન્ય થઇ જાય. દિવસના બંને સત્રમાં ધર્મસમ્રાટ
શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજીએ કથા શ્રવણ કર્યું હતું. સવારે કથાનું રસપાન
કરાવતાં પવનકુમાર શાત્રીજીએ કહ્યું હતું કે, શત્રને શત્ર વડે
શાંત કરી શકાય, જ્યારે વાક-વજ્રને વાક વજ્ર મારફતે કાપી શકાય.
વાણી અને પાણીનો દુર્વ્યય ન કરાય, એને સુમાર્ગે વાળવું જોઇએ.
સુશ્રોતા-સુદૃષ્ટા-સુવક્તાને સુમુક્તિ મળતી હોય છે. આવતીકાલે 13મી નવેમ્બરે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી
કેશવપ્રસાદ મૌર્ય સવારે પ્રથમ ચરણમાં કથા શ્રવણ કરતાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે
એવી વિગતો મળી હતી. વ્રજવાસી શાત્રીએ રસાસ્વાદ કરાવતાં શીખ આપી કહ્યું હતું કે, પતિ ધર્મ છે પત્નીનું પતન થતું રોકવામાં,
જ્યારે પત્નીત્વ એ છે કે, પતિને પતીત થતાં રોકવો.
શાત્રોમાં શંખનાદનું મહામૂલું સ્થાન છે. શંખ એટલે બ્રહ્મ અને શંખનાદ એટલે બ્રહ્મનાદ.
જેમ એક જ સ્થળે જમ્પ્યા વિના ખોદાઇ કરવાથી જલ પ્રાપ્તિ થાય તેવી જ રીતે ભટક્યા કે અટક્યા
વિના ભગવાનનું ચિંતન-ભજન કરવાથી મન-કર્મથી કેન્દ્રિત થનારને પરમેશ્વરની પ્રાપ્તિ નિ:શંક
થઇ જાય. ભગવાન નિરાકાર હોવા છતાં ભક્ત સાક્ષાત્કાર રૂપ માટે વિનવે તો ઇશ્વર સાકાર થઇ
(દર્શન આપી) પાછું નિરાકાર રૂપ ધારણ કરી લે. જેમ ગાયોનો રંગ અલગ હોવા છતાં દૂધનો રંગ
શ્વેત હોય તેમ ગમે તે સ્વરૂપે ઇશ્વરને ભજીએ તો પણ ઐશ્વર્યત્વ ભિન્ન નથી. સંતો-ભક્તો
ભેળા થાય એ સ્થળ આપોઆપ તીર્થસ્થાનની ગરિમા પ્રાપ્ત કરી લે છે. પૂજનીય-વંદનીય કોણ છે
તેની સમજણ હોવી જોઇએ. અપાત્રને વંદી ન શકાય. બપોરે ભાવાવરણમાં નંદોત્સવ ઊજવાયો,
જેમાં કૃષ્ણના બાલ સ્વરૂપને શંકરાચાર્યજીએ ગોદમાં લીધું. પૂ. કલ્યાણાનંદગિરિજીએ
હર્ષની હેલીઓ વચ્ચે નંદોત્સવના ઓવારણાં લીધાં. દ્વિતીય સત્રમાં મહંત સ્વામી જિતેન્દ્રનાથજીએ
જપ, તપ, બ્રહ્મચર્ય, ઇન્દ્રીય દમન, મનની સ્થિરતા, રોજ
યથાશક્તિ દાન કરવા, સત્ય બોલવા, સદાચારનું
આચરણ કરવાનો બોધ આપતાં જણાવ્યું હતું કે, `વણિક' વૃત્તિનો
સાધુ સાધુત્વ ગુણાવે છે. દૈત્ય અને રાક્ષસ વચ્ચેનો ભેદ સમજાવતાં કહ્યું કે,
દૈત્ય ભાવ કે અભાવથી ઇશ્વરને યાદ કરે છે. દૈત્ય અહંકારી હોય જ્યારે રાક્ષસ
સર્વભક્ષી હોય છે. શંકરાચાર્યજી મહારાજ, ગાદીપતિ કલ્યાણાનંદગિરિજીએ
શ્રોતા તરીકે કથા શ્રવણ કર્યું હતું. મહોત્સવના મુખ્યદાતા અનિલકુમાભાઇ પેથાણીના મામા
પરિવાર જાગૃતિબેન રાજેશભાઇ નાનજી મોતા, કચ્છ રાજવી પરિવારના કુંવર
ઇન્દ્રજિતસિંહ જાડેજા, ભાજપ સંગઠનના તા.ઉ.પ્ર. હરિભાઇ ગઢવી,
શાત્રી જયંતીલાલભાઇ જોશી (મુખ્યાચાર્ય), ટ્રસ્ટીઓ,
કીર્તિભાઇ ગોર, નખત્રાણા બ્રહ્મસમાજ અગ્રણી પ્રકાશ
જોષી, ડો. શૈલેશ જોષી વગેરે આરતીમાં જોડાયા હતા. માતાજી ધનબાઇમા
(મોટા રતડિયા), આશામા, આઇ ગંગામા વગેરેની
નિશ્રા હતી. સંચાલન જયંતીલાલભાઇ જોશીએ કર્યું હતું. બહોળી સંખ્યામાં ભાવિકો ધર્મલાભમાં
સામેલ થયા હતા. - ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી આજે આવશે : નાના રતડિયા, તા. 12 : મુખ્યદાતા અનિલકુમાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર (ફરાદી) કારા
જ્વેલર્સના દાન અને શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર (નાના રતડિયા)ના મુખ્ય યજમાનપદે આયોજિત
શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત ઉત્તરપ્રદેશના
નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય 13મી નવેમ્બરે સહભાગી થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. શ્રી
મૌર્ય સવારે વિમાનમાર્ગે ભુજ આવ્યા પછી નવ-સાડા નવ સુધી કથા સ્થળે પહોંચશે એવી જાણકારી
કીર્તિભાઇ ગોરે આપી હતી. અત્રે કથા શ્રવણ અને સંબોધન બાદ અનુકૂળતાએ પરત જવા નીકળશે.
આ સંબંધે સુરક્ષાના કારણે પોલીસ દળ તૈનાત થઇ રહ્યું છે.