• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મંત્રીઓ સોમ-મંગળવારે જનતાને મળે

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથેના જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન કોઈ બેઠકો ન બોલાવવી અને તે દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવા. આ ઉપરાંત, તમામ પ્રભારી મંત્રીઓને 30 નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા અને ખાસ કરીને રસ્તાઓની ગુણવત્તા ચકાસીને અહેવાલ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશો આપવામાં આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે તેમના સાથી મંત્રીઓને નિશ્ચિત માર્ગદર્શિકા આપી છે.   મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન સરકારી અથવા આંતરિક બેઠકો યોજવાનું ટાળવું. આ બંને દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓ (ધારાસભ્યો, સ્થાનિક નેતાઓ) ને મળવા માટે ફાળવવા, જેથી લોકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવી શકાય. મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે મુલાકાત લેવા અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવા માટે સૂચના આપી છે. મંત્રીઓએ 30 નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક કરીને પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરવી પડશે. રાજ્યભરમાં ઠેરઠેર માર્ગ જર્જરિત બન્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ રસ્તાઓની ગુણવત્તા અંગે વિશેષ કડકાઈ દર્શાવી છે. પ્રભારી મંત્રીઓને રોડ રસ્તાઓ માટે અલગથી સમીક્ષા બેઠક બોલાવવાનો અને કામગીરીની ગુણવત્તા ચકાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો રોડની ગુણવત્તામાં કોઈ બેદરકારી કે ખામી જણાશે, તો સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.   

Panchang

dd