નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ભુટાનના પ્રવાસેથી પરત ફરીને સૌથી પહેલાં દિલ્હી ધડાકામાં ઈજાગ્રસ્ત
લોકોને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોને મળીને તબિયત અંગે જાણકારી
મેળવી હતી તથા લોકો સાથે વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં અધિકારીઓ અને તબીબોએ વડાપ્રધાન
મોદીને સંક્ષિપ્ત જાણકારી પણ આપી હતી. મોદીએ ફરીવાર કહ્યું હતું કે, કાવતરાંખોરોને છોડવામાં નહીં આવે. એક મીડિયા
હેવાલ મુજબ, દિલ્હીની
એલએનજેપી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પીડિતોને મળવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ તબિયતની
પૃચ્છા કરવા સાથે તેમને સંપૂર્ણ સહાયની ખાતરી પણ આપી હતી. ઉપરાંત ત્યાંના તબીબોની ટીમ
સાથે પણ મુલાકાત કરી હતી. હોસ્પિટલમાં પીડિતોને મળ્યા બાદ પીએમ મોદીએ ફરી એકવાર કહ્યું
હતું કે, કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. નોંધનીય છે કે,
સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા હતા અને અનેક
લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદથી દેશભરની વિવિધ સુરક્ષા એજન્સીઓ દરોડા પાડી રહી છે
અને વિસ્ફોટમાં સંડોવાયેલા લોકોની શોધ કરી રહી છે.