ભુજ, તા. 12 : છેલ્લા ત્રણેક દિવસથી અંજારથી
ગુમ થયેલા 45 વર્ષીય યુવાન વિમલ વસંતરાય
પંડયાએ આજે ભુજના સ્ટેશન રોડ પર એક બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ મારી પોતાનો
જીવ દીધો હતો. બપોરે બારેક વાગ્યે અવર-જવરથી સતત ધમધમતા માર્ગ પર આ બનાવ બનતાં શહેરમાં
ચકચાર પ્રસરી હતી. આ આત્મહત્યાના બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ
શહેરના સ્ટેશન રોડ ઉપર શિવ હોટલની સામે આવેલાં બિલ્ડિંગના ચોથા માળેથી વિમલ પંડયાએ
આજે બપોરે 12 વાગ્યાના અરસામાં અગમ્ય કારણે
છલાંગ મારી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવથી લોકો એકત્ર
થયા હતા અને 108 તથા પોલીસને જાણ કરી હતી. વિમલને
જી.કે. જનરલ હોસ્પિટલ લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ છાનબિન આદરી છે. બીજી તરફ આ મૃત યુવાન વિમલ પંડયા (અંજાર)ની
વિગતો ખૂલતાં તેના પરિજનોને જાણ કરાતાં પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. મૃતકના પત્ની
ભાવનાબેને ગઈકાલે જ અંજાર પોલીસ મથકે વિમલભાઈ ગુમ થયાની ગુમનોંધ નોંધાવી હતી. મૂળ ભુજ
તાલુકાના નારણપરના હાલે અંજારની શ્યામસુંદર
હોસ્પિટલ પાસે રહેતા વિમલભાઈ ગત તા. 9/11ના બપોરે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. આ બાદ પરિજનોએ સગા-સંબંધીઓ
પાસે તપાસ કરતાં કોઈ અત્તો-પત્તો ન મળતાં ગઈકાલે જ અંજાર પોલીસ મથકે ગુમનોંધ નોંધાવી
હતી અને આજે આ વિમલભાઈએ ભુજમાં મોતની છલાંગ માર્યાનું સામે આવતાં પરિવારમાં ગમગીની
છવાઈ છે.