ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા આદિપુરમાં મુંદરા સર્કલથી લઈને અંતરજાળ ચાર રસ્તા સુધી 30 દબાણકારને સ્વેચ્છાએ દબાણ દૂર
કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. અહીં કન્ટેનર દુકાનો ઊભી થઈ ગઈ છે, આ ઉપરાંત અન્ય દબાણ પણ થયાં છે, જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા ગાંધીધામમાં પણ
નોટિસો આપવામાં આવી છે. ખાસ કરીને પાર્કિંગ પ્લોટમાં જ્યાં અમુક દબાણો હટાવવા માટે
માથાકૂટ થઈ રહી હતી, ત્યાં સવારના ભાગે અધિકારીઓએ સ્થળ ઉપર જઈને
સમસ્યાનું સમાધાન કર્યું હતું અને ત્યાર પછી અમુક દબાણ દૂર થયાં હતાં. અહીં નોર્થમાં
પાર્કિંગ પ્લોટ બનાવવાનું કામ ચાલુ છે અને તેમાં દબાણ નડતરરૂપ થઈ રહ્યાં હતાં, જેના પગલે અધિકારીઓએ કાર્યવાહી કરી
હતી. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા
મુંદરા સર્કલથી અંતરજાળ ચાર રસ્તા સુધીના દબાણ દૂર કરવા માટે 30ને નોટિસ આપવામાં આવી છે અને મર્યાદામાં
અતિક્રમણ હટશે નહીં, તો વહીવટી
તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીધામના ગુરુકુળ સહિતના વિસ્તારોમાં નોટિસો
આપ્યા પછી મોટાભાગે સ્વેચ્છાએ લોકાએ દબાણો દૂર કર્યાં છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ
છે.