મુંબઇ, તા. 12 : ભારતના બે દિગ્ગજ બેટધર વિરાટ
કોહલી અને રોહિત શર્માને બીસીસીઆઇ તરફથી ફરી એકવાર ચેતવણી મળી છે કે ટીમ ઇન્ડિયા તરફથી
રમવું હશે તો ઘરેલું ક્રિકેટમાં રમવું પડશે. વિરાટ અને રોહિત ટી-20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ફોર્મેટમાંથી
નિવૃત્ત થઇ ચૂક્યા છે અને ફકત વન ડે ક્રિકેટનો હિસ્સો રહ્યા છે. આ અંગે બીસીસીઆઇના
એક અધિકારીએ જણાવ્યું હતું કે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે રોહિત શર્મા અને વિરાટ
કોહલીને સ્પષ્ટ કરી દીધું છે કે ભારત માટે રમવા ઇચ્છતા હો તો ઘરેલુ ક્રિકેટમાં ભાગ
લેવો પડશે. બન્ને ખેલાડી બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યા છે. આથી ફિટ રહેવા માટે
ઘરેલું ક્રિકેટમાં રમવું જરૂરી છે. આ સમાચાર વચ્ચે શર્માએ વિજય હઝારે વન ડે ટ્રોફી
માટે મુંબઇ તરફથી રમવા પોતાની ઉપલબ્ધતા વ્યકત કરી દીધી છે. જો કે વિરાટ કોહલીએ હજુ
સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. કોહલી વિજય હઝારે ટ્રોફીમાં છેલ્લે 18 ફેબ્રુઆરી 2010માં રમ્યો હતો. ત્યારે તે દિલ્હીનો
કેપ્ટન હતો. ઇલેવનમાં વર્તમાન બીસીસીઆઇ અધ્યક્ષ મિથુન મન્હાસ અને શિખર ધવન હતા. પાછલી ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં રોહિત
એક સદી અને એક અર્ધસદી સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. જયારે કોહલીએ બે પછી અણનમ
74 રનની ઈનિંગ્સ રમી હતી.