• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વિદેશમાં માનવ તસ્કરીના તાર કચ્છ સુધી !

નવી દિલ્હી/ભુજ, તા. 12 : સીબીઆઇની ટીમે વિદેશ સુધી માનવ તસ્કરી બાદ નોકરીની લાલચ આપીને લવાયેલા લોકો પાસેથી સાયબર અપરાધો કરાવવાના અનોખા  કૌભાંડમાં કચ્છમાંથી એક સહિત ગુજરાતના ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ મુંદરા તાલુકાના નાના કપાયા સ્થિત જિંદાલ સોલિ.વાળાં સરનામે રહેતા મોહિત રાજનાથગિરિ, જૂનાગઢના જિતેન્દ્રકુમાર બાબુભા ચૌહાણ અને અન્ય સોયબ અખ્તર વિરુદ્ધ સીબીઆઇ દ્વારા દિલ્હીમાં બે કેસ નોંધાયા હતા. માનવ તસ્કરીના અપરાધનું અલગ જ રૂપ સામે લાવીને ચોંકાવી દેનારા આ ચાલાકીભર્યા અને કુટિલ કૌભાંડમાં મોહિત, જિતેન્દ્ર જેવા ચાલબાજો આકર્ષક નોકરીની લાલચ ભારતીય નાગરિકોને આપતા હતા. આ લાલચની લોભામણી જાળમાં ફસાઇ જતા લોકોને થાઇલેન્ડમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની વિવિધ સારા પગારવાળી નોકરી છે, તેવું કહી બોગસ ઈન્ટરવ્યૂ ગોઠવીને  છેલ્લે મ્યાંમાર લઇ જવાયા હતા. માનવ તસ્કરીનો ભોગ બનેલા રાજસ્થાની અને ગુજરાતી લોકોની મદદથી ઓળખ કરીને  બોગસ એજન્ટો  મોહિત, જિતેન્દ્ર અને સોહેલની ધરપકડ પણ કરી લેવાઇ હતી. આ કૌભાંડ ચલાવતા વિદેશી અપરાધીઓના ઇશારે કચ્છના મોહિત સહિત બોગસ એજન્ટો ભારતીય નોકરીવાંચ્છુઓને  લલચામણી જાળમાં ફસાવ્યા હતા. સીબીઆઇના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, થાઇલેન્ડમાં નોકરીની ઓફર બાદ બોગસ ઇન્ટરવ્યૂ અને પછી તમારી પસંદગી થઇ ગઇ છે તેવા સમાચાર સાથે યુવાનોમાં આર્થિક સ્થિરતાનાં સ્વપ્નો આંખે આંજી દેવાતાં હતાં. ત્યારપછી મ્યાંમારમાં લઇ જઇ ગેરકાયદે બંધક બનાવીને ડિજિટલ એરેસ્ટ, આર્થિક રોકાણની બોગસ સ્કીમો જેવા વિવિધ પ્રકારના સાયબર અપરાધો માનવ તસ્કરીના પીડિત ભારતીયો પાસેથી કરાવાય છે. આવા કૌભાંડનો ભોગ બનેલા નોકરીવાંચ્છુ ભારતીયો પૈકીના એક યોગેશ સોના મંજાણીએ  સીબીઆઇ સમક્ષ માંડીને વિગતો આપતાં કહ્યું હતું કે, કચ્છના મોહિતે ફસાવીને મ્યાંમાર પહોંચાડયો હતો, જ્યાં ગેરકાનૂની સાયબર અપરાધની  પ્રવૃત્તિઓ માટે દબાણ કરાયું હતું. કેન્દ્ર સરકારના  પ્રયાસોથી મ્યાંમારથી આવા પીડિતોને સલામત પરત લવાયા હતા. નવી દિલ્હીમાં સીબીઆઇના ઇન્સ્પેક્ટર અનિમેશ કુમારે કેસની તપાસ આદરી હતી. તપાસમાં હજુ ઘણા બોગસ એજન્ટોની સંડોવણી તેમજ આ કૌભાંડનું ઘણું મોટું કદ બહાર આવવાની સંભાવના વ્યકત કરાઇ હતી. દરમ્યાન, માનવતસ્કરીના અપરાધની આ સંભવત:  પહેલીવાર જોવા મળેલી પ્રયુકિતને ગંભીરતાથી ધ્યાને લેતાં સીબીઆઇ તરફથી નાગરિકોને આવી વિદેશમાં રોજગારની ઓનલાઇન અથવા અજાણ્યા એજન્ટો મારફતે ઓફર આવે તો  સાવધાન રહેવાની અપીલ કરાઈ હતી. 

Panchang

dd