નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ બુધવારે ભુતાન પ્રવાસના બીજા દિવસે ભુતાનના ચોથા રાજા દ્રુક ગ્યાલપો
સાથે દ્વિપક્ષીય બેઠકમાં સહભાગિતા મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. બન્ને દેશોએ ઊર્જા
ક્ષેત્રે સહકાર વધારતાં એક મહત્ત્વપૂર્ણ જળવિદ્યુત પરિયોજના કરાર કર્યા હતા. વડાપ્રધાન
મોદીએ 1200 મેગાવોટની પુનાત્સાંગછુ-1 જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.
થિમ્કુમાં ભુતાનના રાજા જિગ્મેખેસર નામગ્યાલ વાંગચૂક સાથે `કાલચક્ર અભિષેક' કાર્યક્રમનું ઉદ્ઘાટન કરનાર મોદીએ જળવિદ્યુત
પરિયોજના માટે ભુતાનને ચાર હજાર કરોડની ક્રેડિટ લાઈનની ઘોષણા કરી હતી. ચીન ભુતાન સાથે
લાંબા સમયથી જારી સીમાવિવાદ ઉકેલવાની મથામણમાં છે તેવા સમયે ભારત અને ભુતાનની ભાગીદારી
વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. વડાપ્રધાન મોદીએ દિલ્હી પરત ફરતી વખતે સોશિયલ મીડિયા
પર કહ્યું હતું કે, ભુતાન સાથે ઊર્જા, વેપાર,
ટેકનોલોજી, સંપર્ક સહિત ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા
થઈ હતી. મોદીએ આર્થિક પ્રોત્સાહન કાર્યક્રમ
સહિત ભુતાનની 13મી પંચવર્ષીય
યોજના પ્રત્યે ભારતનું સમર્થન જાહેર કર્યું હતું. ભુતાનના રાજા વાંગચૂક અને વડાપ્રધાન
શેરિંગ તોમ્બેએ એરપોર્ટ પર મૂકવા માટે સાથે આવીને વડાપ્રધાન મોદીને વિદાય આપી હતી.