ભારતમાં એકતરફ રેલવે માળખાંનું
વિસ્તરણ અને આધુનિકીકરણ યુદ્ધની ગતિએ થઇ રહ્યું છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ
ટ્રેન પ્રોજેક્ટ મહત્ત્વના તબક્કે છે,
પરંતુ સમયાંતરે થતા અકસ્માતો ભારતીય રેલવેની છબીને નુકસાન કરે છે.
સાથે એવા સવાલ જગાવે છે કે, પ્રવાસીઓની સલામતી સર્વોચ્ચ
પ્રાથમિકતા હોવા છતાં એ મોરચે કચાશ કેમ રહી જાય છે ? ટેકનિકલ
સિસ્ટમ, યંત્રણા લેટેસ્ટ ઢબના હોય તો પણ બે ટ્રેન સામસામે
ટકરાઇ જાય કે એક ટ્રેક પર અથડાય એ અસ્વીકાર્ય બાબત છે. દેશમાં ચાલુ વર્ષ દરમ્યાન આ
લખાય છે ત્યાર સુધીમાં નાની-મોટી 10 જેટલી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે.
છત્તીસગઢના બિલાસપુરનો બનાવ તાજો છે. બિલાસપુરની બીનામાં પ્રારંભિક તપાસ પરથી
સિગ્નલમાં ખામી કે માનવીય ભૂલ જવાબદાર હોવાનો સંકેત મળ્યો છે, પરંતુ બ્લેકબોક્સ,
સિગ્નલ લોગ, ડ્રાઈવરના ડયૂટી રેકોર્ડ, ટ્રેક સર્કિટ તેમજ કંટ્રોલ રૂમની વિગતોની તાંત્રિક તપાસ બાદ રેલવે સુરક્ષા
કમિશનરનો અહેવાલ સામે આવશે ત્યારે જ ખરાં કારણ કે અસલી જવાબદારી અંગે સાચી વાત
બહાર આવી શકશે. નિષ્ણાતો કહે છે કે રેલવેમાં સિગ્નલિંગ ઈન્ટરલોકિંગની નિષ્ફળતા
ટ્રેનને ખોટા ટ્રેક પર મોકલી શકે છે. સિગ્નલની સિસ્ટમમાં ખામીનો અર્થ છે કે,
ટ્રેક સર્કિટ, ઈન્ટરલોકિંગ પ્રણાલીએ યોગ્ય
રીતે કામ નથી કર્યું. આવી સ્થિતિમાં હાર્ડવેર સુધારવાની સાથોસાથ રિયલ ટાઈમ
મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓ અમલી થાય, તે સમયની માંગ છે. બીજી
તરફ એવાં તથ્યો તરફ પણ ધ્યાન આપવું રહે કે, લોકોપાઈલટ થાકી
જાય અથવા સંદેશાવ્યવહારમાં ઓછપ કે સમયસરના સંવેદનશીલ નિર્ણયોમાં વિલંબ થાય ત્યારે
પણ ટ્રેક લોહીભીના થાય તેવી ઘટનાઓ થતી હોય છે. માનવમાત્ર ભૂલને પાત્ર કહેવાય છે,
પરંતુ રેલવે, વિમાન કે બસોમાં પાઈલટ કે
ડ્રાઇવર પર અનેક લોકોનાં જીવનનો આધાર હોય છે. તેમની ભૂલ અક્ષમ્ય જ છે. અકસ્માત થાય
ત્યારે દોષી કર્મચારી સામે તપાસ થાય, ફરજમોકૂફ કરાય, બરખાસ્ત કરાય કે દંડાત્મક પગલાં લેવાય, પરંતુ કડવી
વાસ્તવિકતા એ છે કે, આવી જીવલેણ દુર્ઘટનાઓના મોટા ભાગના તપાસ
અહેવાલો વરસો સુધી ફાઈલોમાં કેદ પડી રહેતા હોય છે. રેલવે સુરક્ષા અધિકારીની ભલામણ
પર કાર્યવાહીનું પ્રમાણ ખૂબ ઓછું છે. મોટી સંખ્યામાં દુર્ઘટનાઓમાં માનવીય ભૂલ
મુખ્ય કારણ હોવા છતાં જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા બેહદ ધીમી અથવા અપારદર્શક
હોય છે. દરેક મોટી દુર્ઘટના બાદ ઉચ્ચસ્તરીય સમિતિએ રાબેતા મુજબ રચાય છે. નવા એલાનો
થાય છે, પરંતુ જમીની સ્તર પર બદલાવ, સુધારની
ગતિ ઘણી ધીમી છે. અહીં એ ઉલ્લેખ પણ પ્રસ્તુત બની રહે તેવો છે કે, રેલવે મંત્રાલયે વર્ષો પહેલાં એન્ટિ કોલિઝન ડિવાઈસ એટલે કે, ટ્રેનોની ટક્કરને ટાળવા માટેનું ઉપકરણ `કવચ' લગાવવાની યોજના ઘડી હતી.
અત્યાર સુધી થોડાક હજાર કિ.મી.ના રૂટ અને મર્યાદિત સંખ્યામાં લોકોમોટિવ સુધી જ `કવચ' સીમિત છે. બજેટની
મર્યાદાઓ અને વિશાળ નેટવર્ક આ પહેલનો વ્યાપ વધારવામાં અવરોધો છે, પરંતુ જાનમાલની સુરક્ષા માટે પ્રાથમિકતા સ્પષ્ટ હોવી જોઈએ. દરેક ચાલતી
ટ્રેનમાં `કવચ' કે તેના જેવી અસરકારક સ્વયંસંચાલિત સુરક્ષા પ્રણાલી ફરજિયાત હોવી જોઈએ.
ભારતીય રેલ દુનિયામાં સૌથી મોટું પરિવહન નેટવર્ક છે. દરરોજ લાખો લોકો ટ્રેનના
ભરોસે પ્રવાસ કરે છે એ રખે ભુલાતું.