મુંદરા, તા. 12 : મુંદરાના બારોઈ રોડ પર સવારે
દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના
પ્રમુખ 47 વર્ષીય વૈશાલીબેન ભૂપેનભાઈ
ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.
જયારે સાથે અન્ય મહિલા ઘાયલ થયા હતા. આ ઘટનાથી મુંદરા તાલુકા સહિત જિલ્લાના લોહાણા
સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને માતેલા સાઢની જેમ બેફામ દોડતા ભારે વાહનના મુદ્દો
પણ આક્રોશ સામે આવ્યો છે. સવારે લગભગ સવા છ વાગ્યે વૈશાલીબેન અને તેમના સહેલી અરુણાબેન
અનિલભાઈ ઠક્કર દૈનિક મોર્નિંગ વોક માટે બારોઈ રોડ પર નીકળ્યા હતા અને શિશિ મંદિરના
ગેટની સામે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે
આવેલા ટેમ્પો નં. જી.જે. 27 ટીએ 1742વાળાએ તેમને ટક્કર મારી હતી.
જ્યાં 47 વર્ષીય વૈશાલીબેનનું ઘટનાસ્થળે
જ મોત નીપજ્યું હતું. તેમના સહેલી અરુણાબેનને પણ ગંભીર ઈજા પહોંચી હતી, પ્રથમ તેમને સારવાર માટે મુન્દ્રા હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો
હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. સંબંધિતો પાસેથી
પ્રાપ્ત વિગત મુજબ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે રહેતા વૈશાલીબેન મુન્દ્રા તાલુકા લોહાણા
સમાજના મહિલા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની આકસ્મિક વિદાયથી સમાજમાં
ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. બપોરે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં લોહાણા સમાજ સહિત
વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૈશાલીબેનના પતિ શાકભાજીનો જથ્થાબંધ
વ્યવસાય ધરાવે છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે. દરમિયાન, લોકોમાંથી રજૂઆત ઊઠી હતી કે, મુન્દ્રા બારોઈ રોડ પર સતત
ટ્રાફિક હોય છે. અગાઉ બેથી ત્રણ અકસ્માતો થઈ ચૂક્યા છે. લોકોને નવા આરસીસી રોડ પર નાછૂટકે
ચાલવું પડે છે. આ જોખમી સ્થિતિમાં ટ્રાફિક નિયંત્રણ વધવું જોઈએ અને સ્પિડ નિયંત્રણનો
નિયમ લાગુ થવા જોઈએ.