• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દિલ્હીમાં 26-11 જેવા હુમલાનો કારસો હતો

નવી દિલ્હી, તા. 12 : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા લોહિયાળ બોમ્બ ધડાકાના દેશભરમાં ઉચાટ ફેલાવનારા મામલામાં નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. આતંકવાદીઓએ 200 બોમ્બ (આઇડીડી)થી 26-11 જેવો હુમલો કરવાનો નાપાક કારસો ઘડયો હતો, તેવો ધડાકો પણ થયો છે. દિલ્હી પોલીસે બુધવારે લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ ગાડીની તલાશ માટે એલર્ટ જારી કર્યું હતું અને સાંજે ફરીદાબાદ પોલીસે હરિયાણાના ખાંડાવલી ગામ પાસે એ લાલ કાર શોધી કાઢી હતી અને આસપાસનો વિસ્તાર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે, આંતકી ડો. ઉમરે બાબરી ધ્વંશની વરસીએ છઠ્ઠી ડિસેમ્બરે દિલ્હીમાં મોટા હુમલાનો કારસો ઘડયો હતો. ફરીદાબાદમાં પકડાયેલા આઠ સંદિગ્ધ આતંકીની પૂછતાછમાં આ ખુલાસો થયો છે. તપાસ પરથી જાણવા મળ્યું છે કે, હુમલાખોર આતંકવાદીઓ પાસે આઇ20 સિવાય એક કાર હતી, જે ડો. ઉમર ઉન નબીનાં નામે નોંધાયેલી છે. એ ઇકોસ્પોર્ટ કારમાં પણ વિસ્ફોટક હોઇ શકે છે, તેવું પોલીસે કહ્યું હતું. દિલ્હી સિવાય પાડોશી રાજ્યો ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ઇકોસ્પોર્ટ કારની તલાશ માટે એલર્ટ જારી કરાયો હતો. દરમ્યાન, અહેવાલો અનુસાર 26-11 જેવો હુમલો કરી, આતંકવાદીઓ દિલ્હી, ગુરુગ્રામ અને ફરીદાબાદને નિશાન બનાવવા માગતા હતા. દિલ્હીના લાલ કિલ્લા, ઇન્ડિયા ગેટ, કોંસ્ટિટયૂશન ક્લબ અને ગૌરીશંકર મંદિર જેવાં પ્રમુખ સ્થળો પસંદ કરાયાં હતાં. એ સિવાય દેશભરના મોટા રેલવે સ્ટેશનો અને મોટા મોલ્સ નિશાન પર હતા. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર લોહિયાળ હુમલા કરવાનો કારસો જાન્યુઆરીથી જ ઘડાઇ રહ્યો હતો. તપાસ એજન્સીઓએ કહ્યું હતું કે, આતંકીઓનો ઇરાદો ધાર્મિક સ્થળો પર હુમલા કરીને સાંપ્રાદાયિક તાણ ફેલાવવાનો હતો. આ નાપાક ઇરાદો પાર પાડવા માટે જ જૈશના આતંકવાદીઓએ કાશ્મીરના પુલવામા, શોપિયાં અને અનંતનાગના કેટલાક તબીબો પસંદ કર્યા હતા, જેથી કોઇને શંકા જઇ ન શકે. દરમ્યાન, કાર ચલાવનારા આતંકવાદી ડોક્ટર ઉમરની માતાના ડીએનડી નમૂના પરીક્ષણ માટે એઇમ્સની ફોરેન્સિક લેબમાં મોકલી દેવાયા હતા. કારે કોઇ નિશાન કે બિલ્ડિંગ પર ટક્કર મારી નહોતી. મતલબ કે આ એક આત્મઘાતી કાર બોમ્બ હુમલો હતો નહીં. દિલ્હીમાં ધડાકા પાછળ જૈશ-એ-મોહમ્મદના નવાં વ્હાઇટ કોલર મોડયૂલનો હાથ હોવાની વાત સામે આવી છે. દિલ્હી ધડાકાના 37 દિવસ પહેલાં ચોથી ઓક્ટોબરના સહારનપુરમાં એક શાદી દરમ્યાન આ જૂથ રચાયું હતું. 

Panchang

dd